મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે -રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ

દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પીટીસી કોલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી. દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
કાર્યક્રમમાં સહભાગી મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રી તરીકેનો ૧૩ વર્ષનો શાસનકાળ એક દીર્ધદ્રષ્ટા અને નિષ્ઠાવાન મુખ્યમંત્રીનો કાર્યકાળ હતો. તેમણે મહિલા અને યુવા વર્ગ માટે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેઓ વડાપ્રધાન બન્યા પાછી પણ મહિલાઓની ખુબ ચિંતા કરી, જનધન યોજના, ઉજાલા ગેસ વિતરણ યોજના, ઘર ઘર શૌચાલય યોજના ફક્ત અને ફક્ત મહિલાઓને ધ્યાનમાં રાખીને જ અમલમાં મૂકી છે.
તેમણે ઉમેર્યું કે, મહિલાઓ કોઈપણ મિલકત ખરીદે તો તેમના માટે સ્ટેમ્પ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપી છે. મહિલાને શક્તિ સ્વરૂપા તરીકે અદકેરું સ્થાન આપ્યું છે. આપણી પ્રાચીન પરંપરા તરીકે રાધાકૃષ્ણ, સીતારામ, ઉમાશંકર, વિગેરેમાં દેવીઓ એટલે કે સ્ત્રીઓનું પ્રથમ સ્થાન છે. અને તે પરંપરાને જાળવી મહિલાના સર્વાંગી વિકાસ માટે અને તેને પુરુષ સમોવડી બનાવવા માટે સરકાર અનેકવિધ યોજનાઓ લાવી છે.
પોલીસમાં મહિલા માટે ૩૩ ટકા અનામત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્ત્રીઓનું ૫૦ ટકા પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં સ્ત્રી અનામત અને હવે તો જી.આઈ.ડી.સી.માં પણ બહેનો માટે રિઝર્વેશન રખાયું છે. કોઈપણ દેશે માથાદીઠ આવક વધારવી હશે તો મહિલાઓને મહત્વ આપવું જ પડશે. અને તેના કારણે જ ગુજરાત રાજ્યએ દેશમાં પ્રથમવાર ઝીરો ટકા વ્યાજથી મહિલાઓને લોન આપી સ્વનિર્ભર બનાવવાની ધિરાણ યોજના અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રીએ ઝીરો બેલેન્સથી જનધન યોજનાથી દેશભરમાં કરોડો બેંક ખાતા ખોલાવ્યા છે.
સખી મંડળો પુન: સક્રિય બન્યા છે તેને આ યોજનાથી ખુબ સારો નાણાકીય સહયોગ મળશે. એક લાખ ગૃપ દસ બહેનો અને પચાસ લોકોને આ યોજના થકી તાત્કાલિક લાભ મળશે. અગાઉ એવું હતું કે પહેલા મંડળ બનાવો પછી બેંક પાસે અરજી કરો અને જો બેંકને યોગ્ય લાગે તો લોન મળતી હવે બેંક પહેલા પૈસા આપશે પછી મંડળ બનાવવાના રહેશે.
ગુજરાત સરકાર સ્ત્રી શક્તિને સુદ્રઢ બનાવવા કટીબદ્ધ છે. લોકો પર ભરોસો મૂકી આ યોજના અમલી બનાવી છે. આ યોજનાના કારણે ગુજરાત વધુ આત્મનિર્ભર બનશે. તે ભારતનું રોલ મોડલ બને તેવી આ નવતર યોજના છે. આવતા છ માસમાં તેનું સંપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થાય તે માટે કામગીરી શરૂ કરી રાજ્યમાં ૭૦ સ્થળોએ એકસાથે ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને ૧૧૯ જેટલી સહકારી સંસ્થાઓ તથા બેન્કો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારે મહિલા કલ્યાણના અનેક પગલાં લીધા છે. નારી અદાલતો શરૂ કરી છે. અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પોલીસની ભરતી તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિશેષ અનામત મહિલાઓ માટે રાખવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, આ યોજનાથી મહિલાઓને આર્થિક ઉત્થાન માટે નવી તક મળશે. મહિલાઓ પગભર બની શકશે. રાજ્યના સખી મંડળોને આવરી લેવામાં આવ્યા છે. જેથી મહિલાઓ નિયત વ્યવસાય કરી આર્થિક સ્વતંત્ર બની શકશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા બાળકીના જન્મથી લઇને મૃત્યુ સુધી દરકાર રાખવામાં આવતી હોવાનું કહી વિવિધ યોજનાની માહિતી આપી હતી અને તેનો લાભ લેવા મહિલાઓને અપીલ કરી હતી.
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી. બી. બલાતે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
મહાનુભાવોના હસ્તે પાંચ સખી મંડળોને રૂ. ૧-૧ લાખની લોનસહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબેન, ચેરમેન શ્રી જુવાનસિંગભાઇ, અગ્રણી શ્રી મુકેશભાઇ, પ્રાંત અધિકારીશ્રી દિનેશ હડિયલ સહિત સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!