પોલીસે રૂ. ૭૮ લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો; બે રાજસ્થાની શખ્સોની ધરપકડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલસીબી પોલીસે કપડવંજ ડિવિઝનના રેલીયા ચેક-પોસ્ટ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. ૭૮,૧૧,૪૦૦ ની કિંમતનો માલ જપ્ત કર્યો છે અને બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસના માણસો કપડવંજ ડિવિઝનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કઠલાલ બસ સ્ટેશન નજીક શૈલેષકુમાર નારણભાઇ અને નિલેશભારથી શંભુભારથીને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશી દારૂ ભરેલો એક ટ્રક મોડાસા-નડિયાદ હાઇવે પરથી પસાર થઈને કપડવંજ ગ્રામ્ય પોલીસ વિસ્તારની રેલીયા ચેક-પોસ્ટ થઈને ખેડા જિલ્લામાં પ્રવેશવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેલીયા ચેક-પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. થોડા સમયમાં બાતમી મુજબનો ટ્રક મોડાસા તરફથી આવતા પોલીસે તેને ઈશારો કરીને ઊભો રખાવ્યો હતો. ટ્રકની તપાસ કરતા તેમાં એક ડ્રાયવર અને અન્ય એક ઈસમ હાજર હતા. પોલીસે બંનેને ની પૂછપરછ કરતા તેમણે તેમના નામ (૧) ધર્મેન્દ્રસિંહ બલદેવસિંહ જાટ, રહે. મોતીપુરા, રાજસ્થાન અને (૨) નિર્મલસિંહ જોધરાજસિંહ રાજપુત, રહે. ગામ-ઉધ્યોગ પુરી કોટા, રાજસ્થાન જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતા ટ્રકની અંદર પશુઓને ખવડાવવાના ભુસા ભરેલી કોથળીઓની આડમાં સંતાડેલો, વગર પાસ-પરમીટેનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂની નાની-મોટી બોટલો કુલ નંગ-૭૮૯૬ હતી, જેની કુલ કિંમત રૂ. ૬૭,૪૫,૨૦૦ થવા જાય છે.
પોલીસે દારૂના આ જથ્થા ઉપરાંત ટ્રક ગાડી કિ.રૂ. ૧૦ લાખ બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૫ હજાર રોકડા રૂ. ૧,૨૦૦ અને પશુના ભુસા ભરેલી કોથળીઓ કિ.રૂ. ૫૦ હજાર મળીને કુલ રૂ. ૭૮,૧૧,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ધર્મેન્દ્રસિંહ અને નિર્મલસિંહ સામે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હવે આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Pretty! This was a really wonderful post. Thank you for your provided information.