સંતરામ મંદિર સંચાલિત સ્કૂલમાં રામાયણના પાત્રો ભજવી નાના બાળકોએ ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના (K.G.) વિભાગના નાના વિદ્યાર્થીઓએ વિદ્યાલયમાં ‘શ્રી રામલીલા’નું સુંદર આયોજન કરીને સૌને અભિભૂત કર્યા હતા. આ નાનકડા ભૂલકાઓએ રામાયણના વિવિધ પવિત્ર પાત્રો ભજવીને ભારતીય સનાતન ધર્મની સાચી ઓળખ આપી હતી અને દિવાળીના પર્વનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની નિર્દોષ અભિનયકલા દ્વારા રામાયણના પ્રસંગોને જીવંત કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌના હૃદય સ્પર્શી લીધા હતા.
શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવારોનું મહત્વ અને મૂલ્યો નાના બાળકો સરળતાથી સમજી શકે તેવા અનેક રચનાત્મક પ્રયાસો નિયમિતપણે કરવામાં આવે છે. આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય છે. આ શુભ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજ તથા સંત નિર્ગુણદાસજી મહારાજે ઉપસ્થિત રહીને સૌ નાના-નાના ભૂલકાઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

