ખેડા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તહેવારોમાં ૨૪ કલાક કાર્યરત રહેશે
નરેશ ગનવાણી નડિયાદ

તહેવારોના પર્વ દરમિયાન ખેડા જિલ્લાના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે ખેડા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ને સંપૂર્ણ સજ્જ કરીને સતત ૨૪ કલાક કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસને જણાવ્યું છે કે તહેવારોના આ દિવસોમાં જો માર્ગ અકસ્માત, વીજળી સંબંધિત દુર્ઘટનાઓ, કુદરતી આપત્તિઓ, આરોગ્ય ઇમરજન્સી અથવા અન્ય કોઈ અણધાર્યા પ્રસંગો સર્જાય તો નાગરિકોએ કોઈપણ વિલંબ કર્યા વિના જિલ્લા કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવો.
તાત્કાલિક સહાય માટે સંપર્ક નંબરો:
જિલ્લા કંટ્રોલ રૂમ નંબરો: ૦૨૬૮-૨૫૫૩૩૫૬ / ૦૨૬૮-૨૫૫૩૩૫૭ ટોલ ફ્રી નંબર: ૧૦૭૭ જિલ્લા કલેક્ટરએ આ પ્રસંગે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાનું અને પોતાના આસપાસના લોકોનું સુરક્ષિત રીતે તહેવારો ઉજવવા માટે સલામતીના તમામ નિયમોનું પાલન કરીને યોગદાન આપવું જોઈએ.
સાથે જ જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અપ્રમાણિત અને ભય પેદા કરતી અફવાઓ કે માહિતી ફેલાવવાથી દૂર રહે. જો આવી કોઈપણ શંકાસ્પદ માહિતી મળે તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પોલીસ અથવા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તહેવારો દરમિયાન પરિસ્થિતિનું સતત મોનીટરીંગ કરવામાં આવશે અને કોઈપણ આપત્તિના સમયે સહાય માટેની ટીમો સંપૂર્ણ તત્પર રહેશે.

