મહુધાના બગડુ ગામમાં લૂંટના ઇરાદે મહિલાની હત્યા, આરોપી ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

મહુધા તાલુકાના બગડુ ગામે ઉષા ઉર્ફે ચકી અરવિંદભાઇ અમરસિંહ સોઢા (રહે. બગડુ) નામની મહિલાનો શંકાસ્પદ હાલતમાં તા. ૧૮/૧૦/૨૦૨૫ ના રોજ
મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં નોંધી પો.ઇન્સ આર.કે. ગોહિલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલી.
મૃતદેહના પી.એમ. રિપોર્ટ અને અન્ય પુરાવાઓ શરીરે ચકામા/છોલાયેલા નિશાન, પગમાં કડલા ગાયબના આધારે પોલીસને શંકા ગઈ કે મહિલાનું મોત લૂંટ માટે ડૂબી જવાથી થયું છે. મૃતક મહિલાના પતિ અરવિંદભાઇ અમરસિંહ સોઢાની ફરિયાદના આધારે મહુધા પોલીસ સ્ટેશનમાં લૂંટ સાથે હત્યાનો ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરાઈ હતી. કપડવંજ ડિવીઝનના ડી.વાય.એસ.પી. વી.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ આર.કે. ગોહિલે અલગ-અલગ ટીમો બનાવી તપાસના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોલીસને અંગત બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ગુનાનો શંકાસ્પદ આરોપી નટુભાઇ બુધાભાઇ રાવળ રહે. બગડુ, તા. મહુધા ની હીલચાલ શંકાસ્પદ જણાય છે. પોલીસે નટુને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં આરોપીએ ઇનકાર કર્યો હતો, પરંતુ વધુ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે દીવાળીના તહેવારની ઉજવણી અને મોજશોખ માટે કપડાં વગેરે ખરીદવા તેની પાસે પૈસા નહોતા અને કડિયાકામ બંધ હતું. તા. ૧૮/૧૦/૨૦૨૫ના રોજ તે માછલી પકડવા કેનાલ પાસે ગયો હતો, પરંતુ માછલી ન મળતા તે રસ્તા પર ઊભો હતો. તે સમયે મરણ જનાર ઉષાબેન ઘાસચારો લઈને આવતા હતા, તેમના પગમાં પહેરેલા ચાંદીના કડલા જોઈને તે લૂંટ કરવાનો નિર્ણય કર્યો. નટુએ ઉષાબેનને ધક્કો માર્યો અને તેઓ બૂમો પાડવા લાગતા તેમનું મોં દબાવી કેનાલના પાણીમાં માથું પકડી ડૂબાડીને તેમનું મોત નીપજાવ્યું હતું. ત્યાર બાદ તેણે પગ ભીના થયેલ હોવાથી ધીમેથી બન્ને પગના ચાંદીના કડલા આશરે કિંમત રૂ. ૨૦ હજાર ખેંચી લીધા હતા અને ત્યાંથી ભાગી ગયો હતો. આરોપીની કબૂલાત બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને સંતાડેલો લૂંટનો મુદ્દામાલ એક નંગ ચાંદીનું કડલું રિકવર કર્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો મળી આવેલ છે. પોલીસે લૂંટ સાથે હત્યાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!