વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નૂતનવર્ષે ભવ્ય અન્નકૂટ ઉત્સવઃ એક લાખથી વધુ ભક્તોએ લીધો દર્શનનો લાભ

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થાના કેન્દ્રસમા વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં નૂતનવર્ષ ના શુભદિને ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજમાન દેવોને અધધધ… ૮૦૦ મણનો ભવ્ય અને વૈભવી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં અનાજ, ડ્રાયફ્રૂટ, માવાની મીઠાઈ, ફરસાણ અને બેકરી આઇટમો સહિત વિવિધ વ્યંજનોનો સમાવેશ થયો હતો. વડતાલ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ મુનીવલ્લભસ્વામી તથા સૂર્યપ્રકાશ સ્વામીના નિરીક્ષણ હેઠળ આ વિશાળ અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંપરા મુજબ, આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. મોટા લાલજી સૌરભપ્રસાદજી અને નાનાલાલજી દ્વિજેન્દ્રપ્રસાદજીએ અન્નકૂટની આરતી ઉતારી હતી. આ અવસરે ચેરમેન ડો. સંતસ્વામી, કોઠારી દેવપ્રકાશસ્વામી સહિત અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા. નૂતનવર્ષના શુભદિને સવારથી સાંજ સુધીમાં અંદાજિત એક લાખથી વધુ હરિભક્તોએ અન્નકૂટના ભવ્ય દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તમામ ભક્તોને અન્નકૂટ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પૂર્વે ધનતેરસના દિવસે શ્રી લક્ષ્મીજીનું રાજોપચાર પૂજન, કાળીચૌદશના શુભદિને આચાર્યશ્રી દ્વારા હનુમાનજીદાદાનું પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. દિવાળીના શુભદિને લક્ષ્મી માતાના વર્ષમાં ફક્ત એકવાર થતા ચરણોના વિશેષ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ સમગ્ર ઉત્સવો ભક્તો માટે આસ્થા અને ઉલ્લાસનો માહોલ લઈને આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!