વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વેમાં ઝડપ લાવવા મંત્રીનો નિર્દેશ

નરેશ ગનવાણી નડિયાદ

મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે કમોસમી વરસાદથી થયેલ નુકસાન અને આપત્તિ વ્યવસ્થાપન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીએ ખેડા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, સત્વરે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. મંત્રીએ આ સર્વેની કામગીરી વધુ અસરકારક અને પ્રમાણિત બનાવવા માટે જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કિસાન મોરચાના પ્રમુખોને સંકલનમાં રાખીને કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત કિસાન મોરચાના પ્રમુખઓ અને પ્રતિનિધિઓએ પાક નુકસાન વળતર માટે મોબાઇલ હેલ્પલાઇન નંબર, ટેકાના ભાવે ખરીદીના પ્રમાણમાં વધારો, અને અનાજ પુરવઠા સેન્ટરની સંખ્યામાં વધારો કરવા જેવી બાબતોની રજૂઆત કરી હતી. કલેક્ટરએ આ તબક્કે પાક નુકસાની સર્વે બાબતે ઝડપી અને ૧૦૦% સચોટ કામગીરી દ્વારા કોઈપણ નાના-મોટા ખેડૂત સરકારના લાભથી વંચિત ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની તથા કિસાન પ્રતિનિધિઓની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
બેઠક દરમિયાન તમામ વિધાનસભાના ધારાસભ્યઓએ પણ પોતપોતાના મતવિસ્તારને લગતી ખેતી વિષયક નુકસાન બાબતે રજૂઆત કરી હતી અને ખેડૂતોને સમયસર સરકારી સહાય મળે તે મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અગ્રણી નયનાબેન પટેલ, એપીએમસી ચેરમેન, કિસાન મોરચાના પ્રમુખઓ, પ્રાંત અધિકારીઓ, અને ખેતીવાડી, આપત્તિ વ્યવસ્થાપન સહિત રેવન્યુ તથા પંચાયત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

One thought on “વરસાદથી થયેલા પાક નુકસાનના સર્વેમાં ઝડપ લાવવા મંત્રીનો નિર્દેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!