નડિયાદમાં લોહપુરુષ સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીએ ‘એકતા રેલી’નું આયોજન કરાયું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ખાતે આજ રોજ ૩૧ ઓક્ટોબર, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઐતિહાસિક અવસરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો આપતી આ રેલીમાં રાજ્યમંત્રી, પદાધિકારીઓ, અધિકારીઓ અને હજારો નગરજનો ઉમંગભેર જોડાયા હતા.
રેલીનો માર્ગ અને સહભાગીઓ
આ ‘એકતા રેલી’ નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી શરૂ થઈને દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ સુધી યોજાઈ હતી. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર જી.એચ.સોલંકી સહિત જિલ્લાના મુખ્ય પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ અધિક્ષક વિજય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસના કેડેટ્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી હતી. એસઆરપી ગ્રાઉન્ડથી મહાનુભાવો દ્વારા રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ અવસરે સૌ નગરજનોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા માટે શપથ પણ લીધા હતા. રેલી દરમિયાન બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમા તેમજ દેસાઈવગો સ્થિત સરદાર પટેલના જન્મ સ્થળ પરની ગાંધીજીની પ્રતિમા તથા ગર્ભગૃહમાં સરદાર સાહેબને સુતરની આંટી અને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શોભા વધારવા માટે પૂર્વ મિનિસ્ટર દિનશા પટેલ અને સરદાર પટેલના વારસદારે પણ હાજરી આપી હતી. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચરોતરના મહાનાયક અને લોહપુરુષ સરદાર પટેલનો જન્મ નડિયાદમાં થયો તે સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે. તેમણે ૫૬૨ રજવાડાઓને એકસૂત્રે બાંધીને રાષ્ટ્રની એકતાનો પાયો નાખ્યો હતો. મંત્રીએ આ વિચારને આગળ ધપાવતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા સૌ નગરજનોને સંકલ્પ લેવા અપીલ કરી હતી.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરદાર પટેલનો જન્મ અને પ્રારંભિક શિક્ષણ પણ નડિયાદમાં થયેલું છે, અને સરદાર સાહેબના આ અમૂલ્ય વારસાને સંપૂર્ણ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!