જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની માસિક રીવ્યુ મિટિંગ યોજાઈ

આંગણવાડી કેન્દ્ર નિયમાનુસાર ચલાવવામાં નહીં આવે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવા સૂચના અપાઈ
દાહોદ:- જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષ સ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની માસિક રીવ્યુ મિટિંગનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ ખાતે કરવામાં આવેલ હતું. મિટિંગમાં આઇસીડીએસની તમામ યોજનાઓનું રીવ્યુ સહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંગણવાડી કેન્દ્ર પર આવે અને તેમને THR માંથી બનાવેલ વાનગી ખવડાવવામાં આવે તે સબંધિત મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે.નોંધાયેલ બાળકોની એન્ટ્રી પોષણ સંગમ એપમાં આંગણવાડી કાર્યકર દ્વારા કરેલ છે કે નહી તેમજ બાળકના પોષણ સ્તરમાં સુધારો થયેલ છે કે નહીં તે મુલાકાત દરમિયાન ક્રોસ ચેકિંગ કરવા સહિત આંગણવાડી કેન્દ્રની વિઝીટ દરમિયાન બાળકોનાં વાલીઓને બોલાવી તેઓનું કાઉન્સિલિંગ કરવા જિલ્લા વિકાસ અધિકારી એ તમામ સી.ડી.પી.ઓ ને સૂચન કર્યા હતા.
દરરોજ આંગણવાડી મુલાકાત દરમિયાન બાળકને રાબ પીવડાવતો વાલી અને બાળક સાથેનો વિડિયો વ્હોટસએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા તમામ મુખ્ય સેવિકાને સૂચના આપવામાં આવી હતી. સુપોષિત દાહોદ પોર્ટલમાં દરેક આંગણવાડી કેન્દ્રની ફોટોગ્રાફસ સહિતની ક્વોલિટી એન્ટ્રી કરાવવાની જવાબદારી મુખ્ય સેવિકા અને સીડીપીઓની રહેશે.દરરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત મુખ્ય સેવિકા અને સીડીપીઓશ્રી દ્વારા કરવાની રહેશે તેવી સૂચના આપવામાં આવી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું કે દાહોદ જિલ્લાની દરેક આંગણવાડી કેન્દ્રનું વાલી WHATSAPP ગ્રુપ હોવું જોઈએ.અને આંગણવાડી કાર્યકર દ્વારા બાળકો પાસે કરાવેલ પ્રવૃતિઓના વિડિયો વાલી વ્હોટસએપ ગ્રુપમાં શેર કરવામાં આવે તે સીડીપીઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર મેનુ મુજબ ભોજન બનાવેલ છે અને તેની ક્વોલિટી ચેક કરવાની રહેશે.
મુખ્ય સેવિકાની કામગીરીમાં સુધારો જણાશે નહીં તેઓની ડિસેમ્બર માસમાં ખાતાકીય તપાસ માટેની ફાઇલ શરૂ કરવા જિલ્લા વિકાસ અધિકારી એ સૂચના આપવામાં આવી હતી આ સાથે જે ઘટકની કામગીરી નબળી હશે એમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ સૂચના આપવામાં આવી..
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુ ઇરાબેન ચૌહાણ એ જમશે દાહોદ, ભણશે દાહોદ, રમશે દાહોદ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના દૈનિક અભ્યાસક્રમની થીમ મુજબના વીડિયો દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા બનાવામાં આવે અને તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્ર દૈનિક ધોરણે 6 કલાક ચાલે અને દૈનિક સમયપત્રક મુજબ પ્રવૃતિઓ થાય તેના મોનેટરીંગ માટે સુપોષિત દાહોદ પોર્ટલ પર દરેક આંગણવાડી કાર્યકર દ્વારા એન્ટ્રી કરવામાં આવે તેમ જણાવેલ છે. જે આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડી કેન્દ્ર નિયમાનુસાર ચલાવવામાં નહીં આવે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઇસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓને સૂચના આપેલ છે. જિલા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા દ્વારા આઇસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી.
આ દરમ્યાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણ, સહિત દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
