ખેડા LCB પોલીસે વાત્રક નદી કિનારેથી ૧.૩૭ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ  સ્ટાફે એક મોટી સફળતા મેળવતાં, કઠલાલ તાલુકાના ગાડવેલ ગામની સીમમાં વાત્રક નદીના કિનારેથી કરોડો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદના ઓઢવ વિસ્તારનો રહેવાસી પ્રદિપસિંહ ઉર્ફે ભોલુ જગદીશસિંહ રાજપૂત અન્ય માણસો સાથે મળીને બહારના રાજ્યમાંથી લાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો વાત્રક નદી પાસે ફોર વ્હીલ વાહનોમાં કટિંગ કરવાનો છે. આ બાતમીના આધારે, એલસીબી ના પો.સ.ઈ. જે.એસ. ચંપાવત અને તેમની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન, પોલીસને સ્થળ પર એક મોટા ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ અન્ય ઊભેલા વાહનોમાં ઉતારવામાં આવતી જોવા મળી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં તપીન્દરસીંગ કાલીચરણ ઠાકુર, ઉત્તરપ્રદેશ તેમજ કઠલાલના કાકરખાડ ગામના અજયકુમાર ઉર્ફે બાબુભાઇ રામસીંહ ડાભી અને અનીલકુમાર ઉર્ફે અનો લક્ષ્મણસિંહ ડાભીનો સમાવેશ થાય છે. જોકે, મુખ્ય સૂત્રધાર પ્રદિપસિંહ ઉર્ફે ભોલુ રાજપૂત સહિત અન્ય આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બીયરની ૪૪,૧૩૬ નંગ બોટલો/ટીન જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૩૭,૯૩,૧૨૦ થાય છે. આ ઉપરાંત, દારૂના હેરાફેરીમાં વપરાયેલા ૭ વાહનો કિંમત રૂ. ૪૫ લાખ તથા રોકડા અને મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. કુલ મળીને પોલીસે આ ઓપરેશનમાં રૂ. ૧,૮૩,૦૪,૩૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા અને ફરાર આરોપીઓ વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!