નડિયાદની ડિફેન્સ માર્શલ આર્ટસ એકેડેમીના ખેલાડીએ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
નરેશ ગનવાણી નડિયાદ

સંતરામ મહારાજના આશીર્વાદ અને ખેલાડીઓની અથાગ મહેનતથી નડિયાદની ડિફેન્સ માર્શલ આર્ટસ એકેડેમીએ સ્પોર્ટ્સ જગતમાં ફરી એકવાર નડિયાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં નાશિક (મહારાષ્ટ્ર) ખાતે યોજાયેલી ૫મી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૫માં એકેડેમીના ચાર ખેલાડીઓએ કુલ ચાર મેડલ બે ગોલ્ડ અને બે સિલ્વર જીતીને ઉત્તમ દેખાવ કર્યો હતો.
આ પહેલા, આ ખેલાડીઓની પસંદગી ચારુસેટ યુનિવર્સિટી, ચાંગા ખાતે યોજાયેલ ‘ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૫’ માં વેસ્ટ ઝોન સ્પર્ધા માટે કરવામાં આવી હતી.
તા. ૮ અને ૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નાસિક, મહારાષ્ટ્ર ખાતે આયોજિત આ વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ડિફેન્સ માર્શલ આર્ટસ એકેડેમીના કોચ શ્રેયાંશ સોનીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એકેડેમીના ચાર ખેલાડીઓએ મેડલ મેળવીને ગુજરાત રાજ્ય અને ખેડા જિલ્લાનું નામ ગૌરવશાળી બનાવ્યું છે. જેમાં દેવમ ત્રિવેદી ૧૩ વર્ષ અંડર ૪૦ કિગ્રા | ગોલ્ડ મેડલ, નવ્યા શેલત ૧૩ વર્ષ અંડર ૪૦ કિગ્રા ગોલ્ડ મેડલ, વેદાંશી ચોકસી ૧૨ વર્ષ અંડર ૩૫ કિગ્રા સિલ્વર મેડલ, જીલ ચોકસી ૧૧ વર્ષ અંડર ૩૦ કિગ્રા સિલ્વર મેડલ કોચ શ્રેયાંશ સોનીએ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે ઉત્તમ પ્રદર્શન કરીને આગળ વધતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

