ખેડા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને માર્ગ અને મકાન વિભાગના કામોની સમીક્ષા બેઠક યોજાઈ
નરેશ ગનવાણી નડિયાદ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરી ખાતે માર્ગ અને મકાન વિભાગના કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીએ બેઠકમાં માનનીય મુખ્યમંત્રીની સૂચનાનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે રોડ અને રસ્તાના સમારકામ તેમજ નવા કામોમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ રહે અને તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય. તેમણે હાલ પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરવા અને સમારકામ અથવા નવા રસ્તા બનાવતી વખતે ગુણવત્તાની જાળવણી પર ખાસ ધ્યાન રાખવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
બેઠકની શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દ્વારા તેમના વિભાગ હેઠળના રાજ્ય ધોરીમાર્ગ, મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગોના વિસ્તારો તથા બ્રિજ વિશે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ સાથે, પ્રગતિ હેઠળના મુખ્ય કામોની વિગત અને રસ્તાઓની થયેલી મરામત અંગેનો વિસ્તૃત અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અધિક નિવાસી કલેકટર જે. બી. દેસાઈ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત)ના કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઈવેના પ્રતિનિધિઓ સહિત વહીવટી તંત્રના અગ્રણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

