ખેડા LCB પોલીસે નાસતો ફરતો ઘરફોડ ચોર રૂ. ૭.૧૩લાખ રોકડ સાથે ઝડપાયો, બે સાગરિતોની પણ ધરપકડ
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને રૂ.૭,૧૩,૫૦૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડીને બે મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે વધુ બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એચ. રાવલની આગેવાની હેઠળની ટીમો ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની તપાસમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીલેશકુમાર કનુભાઇને ચોક્કસ બાતમી મળી હતી કે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી વિષ્ણુ પુંજાભાઇ તળપદા (રહે. ઓડ, આણંદ) એક્સપ્રેસ હાઇવે પરથી બહારગામ જવાનો છે.
બાતમીના આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ ગતિવિધિના આધારે વિષ્ણુભાઇ તળપદાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અંગઝડતી કરતા તેની પાસેથી રોકડા રૂ.૭,૧૩,૫૦૦ મળી આવ્યા હતા. પૈસા બાબતે સઘન પૂછપરછ કરતાં વિષ્ણુભાઇએ કબૂલાત કરી હતી કે આ રકમ આશરે છ મહિના પહેલા રાત્રિના સમયે નડિયાદથી કપડવંજ રોડ પરની એક સોસાયટીમાં તેના સાગરિતો નવઘણભાઇ પુંજાભાઇ તળપદા અને વિષ્ણુ મફતભાઇ તળપદા બંને રહે. ઓડ, આણંદ સાથે મળીને કરેલી ઘરફોડ ચોરીના મુદ્દામાલમાંથી તેના ભાગે આવેલી છે. વધુ પૂછપરછ અને ટેક્નિકલ ડેટાના આધારે તેણે કબૂલ્યું હતું કે ગયા વર્ષે તેણે વિષ્ણુ મફતભાઇ તળપદા રહે. ઓડ, આણંદ, કિશન અજીતભાઇ પંડ્યા રહે. ઠાસરા), અને અર્જુન મફતભાઇ પરમાર રહે. ઠાસરા સાથે મળીને ઠાસરા ખાતે નરસિંહભાઇના બંધ મકાનમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી હતી. આ કબૂલાતના આધારે પોલીસે ઠાસરાના સ્થાનિક રહેવાસી એવા કિશન અજીતભાઇ પંડ્યા અને અર્જુન મફતભાઇ પરમારને ઝડપી પાડ્યા હતા, જેમણે ઠાસરાની ચોરીમાં મદદગારી કરી હોવાની કબૂલાત કરી હતી. એલસીબી ની ટીમે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને હસ્તગત કરાયેલો મુદ્દામાલ ર.૭,૧૩,૫૦૦ની રોકડ સાથે આરોપીઓને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે સોંપી દીધા છે.


https://shorturl.fm/sEFQd
https://shorturl.fm/S2DjJ