વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૪મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલધામ ખાતે સોમવાર, તા. ૧૫મી ડિસેમ્બરના રોજ સુફલા એકાદશીના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૪મો પ્રાગટ્યોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સવારે ૭:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી અખંડ મહામંત્રની ધૂન યોજવામાં આવી હતી.
પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી અને મહામંત્ર પોથીનું પૂજન કરાયું હતું.
વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. લાલજી મહારાજ સહિત ૪૦ થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન, અભિષેક અને મંત્ર લેખનનો લાભ લીધો હતો. ચેરમેન ડો. સંત સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતા કહ્યું હતું કે મહામંત્રના પ્રતાપે આજે દરેક દેશમાં મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે. શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં તા. ૦૭/૧૦/૨૦૦૬થી ચાલતી કાયમી અખંડ ધૂનનો ઉલ્લેખ કર્યો હતો, જેને આજે કુલ ૭૦૦૩ દિવસ થયા છે.
હરિભક્તો દ્વારા આજ સુધીમાં કુલ ૧,૧૨,૮૩,૨૭,૦૦૦ મંત્રો અંકિત થયા છે. મહામંત્રનું પ્રથમ ઉચ્ચારણ સંવત ૧૮૫૮માં માગશર વદ એકાદશીના રોજ ફરેણી ગામે સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં થયું હતું, ત્યારથી તેઓ ‘સ્વામીનારાયણ ભગવાન’ના નામથી પ્રસિદ્ધ થયા અને સંપ્રદાય ‘શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય’ તરીકે જાહેર થયો હતો.

