સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દાહોદના પાંચ ગામોના તબક્કાવાર વિકાસ આયોજન માટે બેઠક યોજાઇ
દાહોદ તા.૨૨
સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પાંચ ગામોને તબક્કાવાર વિકસાવા માટે આયોજન અંગેની બેઠક જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે યોજાઇ હતી. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ ગામોમાં પાયાની સવલતો સહિત તમામ કામગીરી પૂરા આયોજન અને ચીવટ સાથે કરવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, ગામની દરેક જરૂરીયાત અને પાસાઓનો અભ્યાસ કરીને જ એક હોલીસ્ટીક એપ્રોચ સાથે ગામનો વિકાસ કરવો જરૂરી છે. ગામની પાયાની તમામ જરૂરીયાતના કામો રસ્તા-પાણી-ગટરવ્યવસ્થા-આંગણવાડી સહિતના કામો લાંબાગાળાના આયોજન વિચારીને કરવા જોઇએ. દરેક વિકાસકાર્ય ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી યોજનાના લાભ પહોંચે તે રીતે કરવા જોઇએ.
તેમણે જણાવ્યું કે, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર વગેરેના કામોમાં પ્રથમ પ્રાથમિકતા સાથે ટકોરાબંઘ થવા જોઇએ. ગામના લોકો દરેક વિકાસ કાર્યને પોતાનું સમજીને તેની માવજત કરે એ સમજ આપવી પણ એટલી જ જરૂરી છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, સાંસદ ગ્રામ યોજનામાં દરેક ગામનો વિકાસ કરવા માટે ૫૦ જેટલાં સૂચકાંક આપવામાં આવ્યા છે. આ સૂચકાંકોને ધ્યાનમાં રાખીને દરેક ગામનું આયોજન કરવું જોઇએ.
બેઠકમાં ધાનપુરનું ઝાબુ અને નળુ ગામ, દેવગઢ બારીયાનું નાની ખજુરી ગામ, ગરબાડાનું દાદુર ગામ, અને દાહોદનાં ડુંગરા ગામને સાંસદ આદર્શ ગામ તરીકે વિકસાવવા માટેના આયોજનની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી સી.બી. બલાત, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથાર, જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇ, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી ડી.કે. હડિયલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod