સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી આ સાતેય યોજનાઓ દાહોદના ખેડૂતના સમૃદ્ધિના દ્વાર ઉઘાડનારી સાબિત થશે : રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ

૦૦૦
આ સાતેય યોજનાઓ દાહોદના ખેડૂતના સમૃદ્ધિના દ્વાર ઉઘાડનારી સાબિત થશે
– રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
૦૦૦
સ્માર્ટ હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને સહાય અપાશે
૦૦૦
શાકભાજી-ફળ પાકોના રક્ષણ માટે નિ:શુલ્ક છત્રી આપવાની યોજના અંતર્ગત ૨૦૦૦ લોકોને લાભ અપાશે
૦૦૦
પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૦૦ લાભાર્થીઓને ૧૧૭ લાખની સહાય મંજૂર
૦૦૦

દાહોદ, તા. ૧૭ : રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણનાં યોજના અર્તગત આજે વધુ ત્રણ યોજનાઓનો પારંભ કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ ત્રણ યોજનાઓનો પ્રારંભ કર્યો છે.
આજે લોન્ચ થતી ત્રણે યોજના પૈકી હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને અને શાકભાજી-ફળ પાકોના રક્ષણ માટે વિના મૂલ્યે છત્રી આપવાની યોજના અંતર્ગત ૨૦૦૦ લોકોને આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. જે અંતર્ગત ૪૭૦ થી વધુ લોકોની અરજી મંજૂર કરી દેવામાં આવી છે. ઉપરાંત કાર્યક્રમમાં પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૦૦ લાભાર્થીઓને ૧૧૭ લાખની સહાયની મંજૂર કરવામાં આવી છે. તેના લાભાર્થીઓને પણ મંજૂરીપત્રો ફાળવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના થકી દાહોદનો ખેડૂત સ્વનિર્ભર બનશે. આજે પ્રારંભ થતી ત્રણે યોજના પૈકી હેંડ ટુલ કિટ યોજના અંર્તગત દાહોદના ૩૭૯ લોકોને અને શાકભાજી અને ફળ પાકોના બગાડ અટકાવવા વિના મૂલ્યે છત્રી આપવાની યોજના અંતર્ગત ૨૦૦૦ લોકોને આ યોજનાઓનો લાભ આપવામાં આવશે. ઉપરાંત ૪૭૦ થી વધુ લાભાર્થીઓને આ યોજનાની સહાય મંજૂર પણ કરી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના ખેડૂતો જે દિવસ રાત મહેનત કરીને પાક તૈયાર કરતા હતા. તેમની મોટી સમસ્યા ભૂંડ વગેરે જનાવરો ગમે ત્યારે આવીને રાતોરાત તેમના પાકને ભારે નુકશાન કરી જતા. આ માટે ખેડૂતોને આખી આખી રાત ઉજાગરા કરવાનો વખત આવતો હતો. છતાં પણ આ સમસ્યામાં રાહત મળતી નહોતી. ત્યારે આપણી રજૂઆતને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ધ્યાને લઇ ખેડૂત વિકાસ માટેની સાત યોજનાઓમાં આ યોજનાનો સમાવેશ કર્યો. આ યોજના આપણા જિલ્લાના મહેનતકશ ખેડૂતો માટે મોટી રાહત સાબિત થશે તેમાં કોઇ બેમત નથી.
તેમણે જણાવ્યું કે, ૧ હેક્ટર સુધીની જમીન ધરાવતા સીમાંત ખેડૂત અને ખેતમજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ યોજના મોટા આર્શીવાદ સમાન છે. જેમાં ખેડૂતોને રૂ. ૧૦ હજારની મર્યાદામાં ઓજારો માટે ૯૦ ટકા સુધીની સહાય કરવામાં આવશે. જેમાં વાવણીથી લઇને લણણી સુધી ખેતીના વિવિધ તબક્કામાં ખેડૂતોની મજૂરીને ઘટાડવામાં અને કાર્યક્ષમતા વધારવામાં આ હેન્ડ ટુલ્સ કિટ ખૂબ ઉપયોગી નિવડશે.
તેમણે જણાવ્યું કે, શાકભાજી અને ફળ પાકોના બગાડ અટકાવવા વિના મૂલ્યે છત્રી આપવાની યોજના ગરીબ ખેડૂતો માટે મોટી યોજના છે. નાના ખેડૂતો, વેપારી કે લારીવાળા માટે તડકો-વરસાદ વગેરેથી તેમના શાકભાજી-ફળોની સાથે તેમનું પણ રક્ષણ કરનારી આ યોજના રાજય સરકારની સંવેદનશીલતા દર્શાવે છે.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી ખાબડે સાતેય યોજનાઓની વિસ્તૃત માહિતી ઉપસ્થિત લાભાર્થીઓને આપી હતી. ઉપરાંત મહાનુભાવોએ લાભાર્થીઓને મંજૂરીપત્રનું વિતરણ પણ કર્યું હતું.
આ ઉપરાંત પોષણ માહ અંતર્ગત મહાનુભાવોએ ઉપસ્થિત લાભાર્થીઓ, ખેડૂતોને પોષણ શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી રમણભાઇ, નાયબ બાગાયત નિયામક શ્રી પારેખ, નાયબ ખેતી નિયામક શ્રી એન.વી.રાઠવા, જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇ, લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી હડિયલ સહિતના અધિકારીઓ ઉપરાંત બાપુ નરસિંહ સેવાનંદ ધામના મહંત શ્રી સેવાનંદ ગિરીજી મહારાજ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: