ગુજરાતનો યુવાન મોબાઇલ છોડી મેદાન પર આવે તે માટે ત્રણ યોજનાઓનું ઇ – લોન્ચિંગ કરતાં મુખ્યમંત્રીશ્રી : દાહોદનાં ૯ તાલુકાદીઠ કુલ ૧૮ ગામોને મળશે રમત ગમતના મેદાન : રોજગાર માર્ગદર્શન કેન્દ્ર દ્વારા રમતવીરોને રોજગાર માટે મળશે માર્ગદર્શન
દાહોદ તા.૧
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતનો યુવાન મોબાઇલનું વ્યસન છોડી રમતના મેદાનમાં આવે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજયનું નામ રોશન કરે તેવા ઉદ્દેશ સાથે ત્રણ નવી યોજનાઓનું રાજયવ્યાપી ઇ-લોન્ચિંગ કર્યું છે. આ ત્રણ યોજનાઓમાં યુવાનો મોબાઇલથી મેદાન તરફ વળે તે માટે મોબાઇલ ટુ સ્પોર્ટસ, રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦ રમતગમતના મેદાન વિકસાવવા માટેની યોજનાનો સમાવેશ થાય છે. યોજનાના ઇ-લોન્ચિંગ પ્રસંગમાં દાહોદ જિલ્લાના યુવા ખેલાડીઓ, કોચશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા સેવા સદન, દાહોદ ખાતેથી જોડાયા હતા.
દાહોદ જિલ્લામાં આ યોજના અંતર્ગત દરેક તાલુકાના બે ગામ દીઠ ૧૮ ગામોમાં રમત ગમતના મેદાન વિકસાવામાં આવશે. ગ્રામ્ય રમતગમત વિકાસ યોજના અંતર્ગત દાહોદના ૧૮ ગામોમાં દાહોદ તાલુકાના હિમાલા અને ખરેડી, ફતેપુરાના ફતેપરા, બલૈયા, ગરબાડાના વડવા અને અભલોડ, ઝાલોદના રૂપાખેડા અને કારઠ, દેવગઢ બારીયાના પીપલોદ અને રૂવાબારી મુવાડા, લીમખેડાના પાલ્લી, માન્લી, ધાનપુરના પીપેરો અને નાકટી, સીંગવડના સીંગવડ અને છાપડવડ ઉપરાંત સંજેલી તાલુકાના કરંબા અને પતેલા ગામોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત રમતવીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર પણ જિલ્લા રમત ગમત કચેરી ખાતે શરૂ કરી દેવામાં આવ્યું છે. અને રમતવીરોને રોજગારી માટે જરૂરી માર્ગદર્શનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
વિડિયો કોન્ફરન્સથી યોજાયેલા કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, હોકીના ડિસ્ટ્રીકટ કોચ શ્રી અલ્પેશ પટેલ સહિતના કોચશ્રીઓ, રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.

