પોષણ માસની ઉજવણીમાં વિવિધ ૮ લાખ પ્રવૃતિઓ-૫.૬૫ કરોડ સહભાગીઓ સાથે દાહોદ જિલ્લો રાજયમાં અવ્વલ
• કિશોરીઓએ ૭૬૨૩ પોષણ જાગૃકતા અંગેના તોરણ બનાવી ઘરે ઘરે પોષણનો સંદેશો પહોંચતો કર્યો
• જિલ્લાના ૧,૮૦,૦૦૦ બાળકોને બાલશક્તિથી બનેલી પોષ્ટિક સુખડીનું વિતરણ
• ૩૦૫૬ પોષણ વાટિકાઓ જિલ્લામાં વિકસાવવામાં આવી
• ૬૦૧૪ કુપોષિત દત્તક બાળકોની પાલક પાલી દ્વારા મુલાકાત-માર્ગદર્શન
• ૪૨૮ પોષણ પંચાયત યોજીને સર્ગભા-ધાત્રી માતાઓ-કિશોરીઓ-બાળકોને માર્ગદર્શન
• ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓએ ૫૮૨૧ પોષણ સલાડ/વાનગીઓ બનાવી
• જિલ્લામાં ૨૫૩ જગ્યાએ યોજાયેલા હેન્ડ વોશ કેમ્પેંનમાં ૨૫૩૫૦ મહિલાઓએ ભાગ
૦૦૦
ખાસ લેખ : મહેન્દ્ર પરમાર
ગત માસ દરમિયાન દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી પૂરા જોશભેર ચાલી અને પોષણ જાગૃતિ બાબતે ૮ લાખ જેટલી વિભિન્ન પ્રવૃતિઓ જિલ્લામાં યોજવામાં આવી. જેમાં લાખોની સંખ્યામાં ધાત્રી-સગર્ભા માતાઓ, કિશોરીઓ, બાળકોએ ભાગ લીધો. આ ૩૦ દિવસ દરમિયાન રોજે રોજ ભાગ લેનારા લાભાર્થીઓનો જુમલો ૫.૬૫ કરોડ સુધી પહોંચ્યો અને પૂરા રાજયમાં પોષણ માસની ઉજવણી બાબતે દાહોદ જિલ્લો પ્રથમ ક્રમે આવવાની અભિનંદનને પાત્ર ઘટના બની છે.
પોષણ માસ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજના માર્ગદર્શનમાં વિવિધ પ્રવૃતિઓ સઘન રીતે આખાય જિલ્લામાં યોજવામાં આવી. તેમાં મુખ્ય ભાર અતિકુપોષિત બાળકોને ઓળખવા અને તેમને ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે દાખલ કરવા, ઓછા વજન ધરાવતા બાળકોને વિશેષ કાળજી લેવી, એનીમીયાની તપાસ અને સારવાર, ઓછા વજને જન્મેલા બાળકની સારસંભાળ, કિશોરીઓ દ્વારા પોષણ જાગૃતિ તોરણ બનાવવા, વાનગી હરીફાઇ, ન્યુટ્રીશન ગાર્ડન, સગર્ભા માતા માટે એન્ટીનેટલ કેર, હેન્ડ વોશ કેમ્પેઇન અને સેનિટેશન, ઝાડા નિયંત્રણ, સ્વચ્છતા અભિયાન, શાકભાજી-બિયારણ વિતરણ, બાળકોને સુખડી વિતરણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોષણ વાટિકા અંગે માર્ગદર્શન, પોષણ પંચાયત, ઓનલાઇન પોષણ કવીઝ વગેરે પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.
પોષણ માસ દરમિયાન કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હોય તેવા ૬૦૧૪ બાળકોની પાલક વાલીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને બાળકને તંન્દુરસ્ત બનાવામાં આવતી અડચણોને દૂર કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર ખાતે દરેક બાળકને યોગ્ય પોષણ મળી રહે તે માટે પોષણ વાટિકા વિકસાવવામાં આવી રહી છે. જયાંથી તાજી શાકભાજી અને ફળોનો આંગણવાડી માટે ઉપયોગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં દાહોદમાં કુલ ૩૦૫૬ પોષણ વાટિકાઓ વિકસાવવામાં આવી છે અને આંગણવાડી ખાતે બનાવવામાં આવતા ભોજનમાં આ શાકભાજીઓનો ઉપયોગ પણ શરૂ કરાયો છે. પોષણ માસ દરમિયાન ૪૨૮ પોષણ પંચાયત યોજીને સર્ગભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકોને પોષણ અંગે માર્ગદર્શન અપાયું છે. ઉપરાંત આઇસીડીએસ અને આરોગ્ય વિભાગના સંકલનથી વિવિધ વેબીનાર યોજી પોષણ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયા હતા.
કિશોરીઓ પોષણ બાબતે જાગૃત બને તે માટે વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી. તેમાં કિશોરીઓએ ૭૬૨૩ પોષણ જાગૃકતા અંગેના તોરણ બનાવી ઘરે ઘરે યોગ્ય પોષણનો સંદેશો પહોંચતો કર્યો. જિલ્લામાં પોષણ વાનગી હરીફાઇમાં ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ દ્વારા ૫૮૨૧ પોષણ સલાડ ડીશ અને પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં આવી. પોષણ માસ દરમિયાન સઘન અભિયાન ચલાવીને કુલ ૬૦૦ અતિકુપોષિત બાળકો શોધવામાં આવ્યા. તેમાંથી ૪૪ બાળકોને ચાઇલ્ડ માલન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા. જિલ્લામાં ૧,૮૦,૦૦૦ બાળકોને પોષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સુખડી પણ બાલશક્તિના પેકેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવી. તેમાં પોષણના તમામ મહત્વના તત્વોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ગત તા. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી નિમિતે જિલ્લામાં ૨૫૩ જગ્યાએ યોજાયેલા હેન્ડ વોશ કેમ્પેંનમાં ૨૫૩૫૦ મહિલાઓએ ભાગ લઇને રાજયનો અનોખો રેકોર્ડ સ્થાપવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અન્વયે ૪૬ પોષણકર્મીઓને રૂ. ૧૪.૬૦ લાખ જેટલી રકમના ઇનામ અપાયા હતા. આ જ દિવસે જિલ્લાને ૧૮૨ લાખના ખર્ચે તૈયાર થયેલી નવી ૨૬ આંગણવાડી મળી છે. જયારે ૪૬૭ લાખના ખર્ચે તૈયાર થનાર ૬૭ આંગણવાડીઓનું ઇ-ભૂમિપૂજન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. ત્યારે પોષણ માસ દરમિયાન પોષણકર્મીઓ-આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની રાજય સરકારે નોંધ લીધી છે અને તેમની કામગીરી અભિનંદનને પાત્ર બની છે.