લોકહિતાર્થે ગરબાનું આયોજન મુલત્વી રાખતા શ્રી લખન રાજગોર ૦૦ દાહોદના ગરબા આયોજકો-આંગેવાનોને આ વખતનું નવરાત્રી આયોજન ન કરવા અપીલ કરતા શ્રી લખનભાઇ
દાહોદ જિલ્લામાં હાલના તબક્કે કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ આગામી નવરાત્રીના તહેવારોમાં પણ કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં રહે અને નવરાત્રીના કારણે કોરોનાના કેસોમાં ઉછાળો ન આવે તે માટે દાહોદના ગરબા આયોજકો સ્વૈચ્છિક રીતે જ આ વર્ષે ગરબાનું આયોજન મુલત્વી રાખી રહ્યાં છે. દાહોદના ગોદી રોડ પર દર વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરતા શ્રી લખન રાજગોરે આ વર્ષે ગરબાનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે અને અન્ય ગરબા આયોજકોને તથા દાહોદવાસીઓને પણ શેરી ગરબા ન યોજવાની અપીલ કરી છે.
શ્રી લખન રાજગોરે જણાવ્યું કે, કોરોના મહામારીએ દેશ અને દુનયાનો ભરડો લીધો છે ત્યારે દાહોદમાં પણ વહીવટી તંત્ર પણ નાગરિકોને માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતરનું પાલન કરી કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવાનું જણાવે છે. ત્યારે આપણે નવરાત્રી દરમિયાન પણ તહેવારની ઉજવણી ઘરે રહીને કરીએ તે હિતાવહ છે. જેમ ગણેશ ચર્તુથી વખતે આપણે તહેવારની ઉજવણી ઘરે રહીને કરી હતી. તેમ આ વખતે પણ સાર્વજનિક ગરબા કે શેરી ગરબા ન કરીને આ વખતે નવરાત્રીમાં માતાજીની આરાધના ઘરે રહીને જ કરીશું તો આપણા જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબૂમાં રહેશે.
તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસની અત્યાર સુધીમાં કોઇ રસી શોધવામાં આવી નથી અને રસી કે અન્ય અસરકારક દવા ન મળે ત્યાં સુધી આપણે કોરોનાના છૂપા શત્રુથી સાવચેત રહેવું જોઇએ. કોરોનાથી બચાવ માટે વહીવટી તંત્ર દ્વારા જે સૂચનો કરવામાં આવે છે તેનું ચુસ્ત પાલન કરો અને આ નવરાત્રીમાં મેં ગરબાનું આયોજન મુલત્વી રાખ્યું છે. કોરોના મહામારીના સમયમાં અન્ય ગરબા આયોજકો પણ આ રીતે ગરબાનું આયોજન ન કરે તે હાલની પરિસ્થિતિમાં ખૂબ જરૂરી છે. આ કોરોના સંક્રમણની સ્થિતિનો સામનો આપણે સૌએ એક થઇને કરવાનો છે. એ માટે સૌ નાગરિકો આ નવરાત્રીમાં ઘરે જ માતાજીની આરાધના કરે તેવી મારી નમ્ર અપીલ છે.
#Sindhuuday Dahod

