મુખ્યમંત્રીશ્રી દ્વારા ડિજિટલ સેવાસેતુના ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ધાનપુરના મેંદરી ગામથી જોડાયા
દાહોદની ૧૨ ગ્રામપંચાયતો ખાતે વિવિધ સરકારી સેવાઓનો ડિજિટલ સેવાસેતુ થકી પ્રારંભ
૦૦૦
૩૯૦ ગ્રામપંચાયતો ખાતે હાઇસ્પીડ ઓપ્ટીકલ નેટ કનેક્ટિવિટીની કામગીરી પૂર્ણ થઇ હોય ટૂંક સમયમાં આ સુવિધા ઉપલબ્ધ થશે
૦૦૦
તબક્કાવાર દાહોદની ૫૫૫ ગ્રામપંચાયતોને ડિજિટલ સેવાસેતુથી જોડાશે
૦૦૦
દાહોદ, તા. ૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડિજિટલ સેવાસતુ થકી સેવાસેતુમાં ઉપલબ્ધ વિવિધ ૨૨ થી પણ વધુ સરકારી સેવાઓનું ઇ લોન્ચિંગ દ્વારા રાજયવ્યાપી પારંભ કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના ૧૨ ગામોમાં આજથી ગ્રામજનોને સરકારી સેવાઓ પોતાના ગામમાં જ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત દાહોદના ૩૯૦ ગામોમાં ઓપ્ટીકલ ફાઇબરથી નેટ કનેકટીવીટીની કામગીરી પૂર્ણ થઇ હોય ટૂંક સમયમાં આ ગામોમાં પણ ડિજિટલ માધ્યમથી સરકારી સેવાઓ મળતી થશે. ઇ-લોન્ચિંગના કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ધાનપુરના મેંદરી ગામથી જોડાયા હતા.
ગ્રામ પંચાયતોને ઝડપી નેટ સેવાથી જોડીને વિવિધ સરકારી સેવાઓ જેવી કે આવકના દાખલા, જાતિનો દાખલો, રેશનકાર્ડને લગતી બાબતો, સિનિયર સિટિઝન, બિન અનામત, વિચરતી વિમુક્ત જાતિ વગેરે માટેના પ્રમાણપત્રો, ધાર્મિક લઘુમતી અંગેનું પ્રમાણપત્ર, એફીડેવીટ-સોંગદનામું વગેરે જેવા કામો માટે તાલુકા કક્ષાએ જવાની જરૂર નહી પડે અને ગ્રામજનો પોતાની જ ગ્રામપંચાયત ખાતે સરળતાથી એક જ દિવસમાં આ સેવાઓ મેળવી શકશે.
દાહોદના ૧૨ ગામોમાં આજથી ડિજિટલ સેવાસેતુ સેવાનો પ્રારંભ થયો છે. જેમાં જેમાં ધાનપુરના કોઠારીયા, લીંમડી-મેંદરી, ફતેપુરાના પીપલારા, વડવાસ, પીપળિયા, ગરબાડાના જાબુંઆ, ઝાલોદના કાલીગામ, લીમખેડાના પોલીસીમલ, બર, ઝેરજીતગઢ, સીંગવડના પીસાઇ અને પડાલીયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જયારે ૩૯૦ જેટલા ગામોને આ માટે ઓપ્ટીકલ ફાઇબરની નેટ કનેક્ટીવીટી આપવામાં આવી છે અને ખૂબ જ જલ્દી ત્યાં પણ આ સેવાઓ ડિજિટલી મળતી થશે તથા ગ્રામજનોને તાલુકા કે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નહી રહે. ઉપરાંત તબક્કાવાર દાહોદની ૫૫૫ જેટલી ગ્રામપંચાયતોને ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમથી જોડવામાં આવશે.
આજના ડિજિટલ સેવાસેતુના ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ ધાનપુરના મેંદરી ખાતેથી જોડાયા હતા. ઉપરાંત કલેક્ટર શ્રી વિજય ખરાડી અને નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ રૂમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.