કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોના જીવનમાં સુખસુવિધાની સવાર થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી : દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ

દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવાની યોજનાનું ડિઝીટલી લોકાર્પણ કરતા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી
દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ અને સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ
દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી આપવાની મહત્વપૂર્ણ યોજના કિસાન સૂર્યોદય યોજનાનું ડિઝીટલી લોકાર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આ યોજનાથી ગુજરાતના ખેડૂતોને માટે સુખ અને સુવિધાનો સૂર્યોદય થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સામાર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક મહાનુભાવોએ દેશને સામાજિક તથા આર્થિક નેતૃત્વ આપ્યુછે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિભૂતિઓએ દેશ અને દુનિયાને નવી રાહ ચિંધી હતી. તે ગુજરાત આજે વિકાસકામોની નવી પહેલથી નવી રાહ દેખાડી રહ્યું છે. ગુજરાતમાં આજે લોકાર્પિત થઇ રહેલા ત્રણેય પ્રોજેક્ટ શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતીક છે.
ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના, સૌની યોજના બાદ હવે કિસાન સૂર્યોદય યોજના મારફત ગુજરાત ફરી એક વખત નવતર પહેલ સાથે આગળ આવ્યું છે. આ યોજના સીમાચિહ્નરૂપ બની રહેશે. કારણ કે તેમાં સર્વોચ્ચ પ્રાથમિક્તા ખેડૂતોને આપવામાં આવી છે. વીજળીના ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં ગુજરાતમાં વર્ષોથી જે કામ થઇ રહ્યા છે, તે આ યોજનામાં આધારરૂપ બન્યા છે.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એક સમય હતો કે જ્યારે વીજળીની ખૂબ જ તંગી રહેતી હતી. ૨૪ કલાક ગૃહવપરાશન માટે વીજળી આપવી એ પડકાર હતો. છાત્રો માટે શિક્ષણની વાત હોય કે ખેડૂતોને સિંચાઇ અને ઔદ્યોગિક પ્રવત્તિ થકી આવકની વાત હોય, આ તમામ બાબતો માટે વીજળી ખૂબ જ જરૂરી છે અને વીજ પુરવઠાની તંગીને કારણે આ બધાને અસર કરતું હતું.
આવા સમયે ગુજરાતમાં વીજળીના ઉત્પાદનથી લઇને તેના વિતરણ સુધીની તમામ બાબતોમાં સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવા માટે મિશન મોડમાં કામ કરવામાં આવ્યું. ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય હતું કે, જેમણે એક દાયકા પૂર્વે સૌરઊર્જાના ઉત્પાદન માટે નીતિ બનાવી હતી. ૨૦૧૦માં પાટણમાં વિશાળ સોલાર પાવરનો પ્રારંભ કર્યો ત્યારે કોઇ કલ્પના પણ કરી નહોતી કે ભારત સમગ્ર દુનિયાને one sun, one world, one gridના રાહનું દિશા દર્શન કરશે, આજે ભારત સૌરઊર્જાના ઉત્પાદન અને તેના ઉપયોગની બાબતમાં દુનિયાના અગ્રણી દેશો પૈકી છે. છેલ્લા છ વર્ષમાં સૌરઊર્જાની બાબતમાં વિશ્વમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે અને આ દિશામાં આપણો દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, જે લોકો કૃષિ અને ગામડા સાથે જોડાયેલા છે, તેમાંથી બહુ જ ઓછા લોકોને ખબર છે કે, ખેડૂતોને સિંચાઇ માટે બહુધા રાતે જ વીજળી આપવામાં આવે છે. રાતે પાવર મળતો હોવાથી પાકને પાણી પાવા માટે ખેડૂતોએ ઉજાગરા કરવા પડે છે. વન વિસ્તાર આસપાસ આવેલી ખેતીમાં પાણી પાવા રાતે ખેડૂતોને માથે હિંસક પાણીના હુમલાનો પણ ખતરો રહે છે.
તેથી કિસાન સૂર્યોદય યોજના થકી તેમને માત્ર સુરક્ષા જ નહીં પણ, ખેડૂતો માટે સુખ અને સુવિધાનો નવો સૂર્યોદય લાવી છે. ખેડતોને રાતને બદલે સવારને બદલ થ્રી ફેઝ વીજળી મળવાની બાબત ખેડૂતો માટે નવા સૂર્યોદય સમાન છે. આ માટે નવી ટ્રાન્સમિશન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આવનારા ત્રણ વર્ષોમાં ૩૫૦૦ સર્કિટ કિલોમિટર લાઇન ઉભી કરી તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે જે વિસ્તારમાં યોજના અમલમાં આવી છે, તેમાંથી બહુધા ખેડૂતો આદિવાસી વિસ્તારના છે.
ખેડૂતોની આવક બમણી કરવા માટે, કૃષિ પેદાશોની પડતર કિંમત નીચી લાવવા અને કૃષિકારોની મુશ્કલી ઓછી કરવા માટે બદલતા સમય સાથે આપણે આપણા પ્રયત્નો વધારવા પડશે. ખેડૂતોને કોઇ પણ સ્થળે જણસો વેચવાની બાબતમાં સ્વતંત્રતા આપવાની હોય કે કિસાન સંગઠનના નિર્માણ, અટકી પડેલી સિંચાઇ યોજનાને પૂર્ણ કરવાની બાબત હોય કે પાક વીમા યોજનામાં સુધારો કરવા કે યુરિયાનું સંપૂર્ણપણે નિમ કોટિંગ કે કરોડો ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાની બાબત હોય, તેનું લક્ષ્ય ખેડૂતોનું કલ્યાણ છે. ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી કરવા માટે સતત નવતર પહેલ કરવામાં આવી છે.
અન્નદાતાને ઊર્જાદાતા બનાવવા માટે કુસુમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોને સોલાર પમ્પ કે પેનલ આપવામાં આવે છે અને તેમાં ખેડૂતો સિંચાઇ પમ્પ વાપરતા વધતી વીજળી વેંચી શકે છે. ૭૦.૫ લાખ ખેડૂતોને સોલાર પમ્પ લગાવવા માટે મદદ કરવામાં આવી રહી છે. તેની ખેડૂતોને સિંચાઇમાં વીજળીની સુવિધા સાથે આવકમાં પણ વૃદ્ધિ થશે.
ગુજરાતે સિંચાઇ અને વીજળી સાથે પીવાના પાણીના ક્ષેત્રમાં પણ સુંદર કામ કર્યું છે તેમ કહેતા શ્રી મોદીએ ઉમેર્યું કે, ગુજરાતના બજેટનો એક મોટો હિસ્સો પીવાના પાણી માટે વપરાતો હતો, હવે મા નર્મદાના પાણી ઘરેઘરે નળ મારફત પહોંચ્યા છે.
તેમણે જનઔષધિ કેન્દ્ર, નવી મેડિકલ કોલેજના નિર્માણ સહિતની આરોગ્ય સેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતે શ્રી મોદીએ કોરોના વાયરસ સામે તકેદારી રાખવા સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા, માસ્ક પહેરવા અને હાથ સેનિટાઇઝ કરતા રહેવા અપીલ કરી હતી.
જૂનાગઢથી જોડાયેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સેવેલા સપનાઓ સાકાર કરવામાં આવી રહ્યા છે. ભૌતિક સુવિધા, ઔદ્યોગિકક્ષેત્ર, પ્રવાસન સહિતની બાબતમાં ગુજરાત અગ્રેસર બની રહ્યું છે.
તેમણે એવું પણ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાત માટે મહત્વની અનેક યોજનાઓને ખોરંભે પાડવા માટે પ્રયત્નો થયા હતા. ગુજરાત વિરોધી લોકોએ ગુજરાત, શ્રી નરેન્દ્રભાઇને વિકાસકામોને જશ ન મળે તે માટે રોડા નાખ્યા હતા. નર્મદા યોજના અને રોપવે અટકાવવા માટે હવાતિયા માર્યા હતા. પરંતું, આપવા સદ્દનસીબે શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બનતાની સાથે યોજનાની મંજૂરી ઝડપથી મળી રહી છે અને ગુજરાત વિકાસની રાહ પર આગળ વધી રહ્યું છે.
શ્રી રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે દિનરાત મહેનત કરવામાં આવી રહી છે. સંક્રમિત વ્યક્તિના સાજા થવાના દર ૯૦ ટકા થયો છે. મૃત્યું આંક ઘટીને સવા બે ટકા થયો છે. ટેસ્ટમાં પોઝેટિવ આપવાનું પ્રમાણ ઘટીને ત્રણ ટકા જેટલું થયું છે.
કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસે આઠ કલાક થ્રી ફેઝ વીજળી મળતા તેની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસની રૂપરેખા આપી હતી. જ્યારે, અમદાવાદથી જોડાયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સ્વાગત પ્રચવન કર્યું હતું.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજયના ખેડૂતોની વર્ષોથી માંગ હતી કે તેમને દિવસે વીજળી મળતી થાય. રાજય સરકારે ખેડૂતોની આ મહત્વપૂર્ણ જરૂરીયાતને પૂરી કરવા કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. જેનો આજે દાહોદની ધરતી પરથી વડાપ્રધાનશ્રીના હસ્તે શુભારંભ થઇ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આજથી દાહોદના ૬૯૨ ગામોના ૨૩૩૪૨ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ છે ત્યારે અહીંના ખેડૂતો વિકાસ-સમૃદ્ધિની દિશામાં અગ્રેસર થશે તેમાં કોઇ બેમત નથી.
આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશથી દાહોદના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યાં છે ત્યારે દાહોદના ખેડૂતોને દિવસે ૮ કલાક વીજળી આપનારી કિસાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાનશ્રી દ્વારા ઉદ્ધાટન એ આપણા સૌ માટે ગર્વની વાત છે. દેશમાં ગુજરાત રાજય જ કિસાનોને સાતત્યપૂર્ણ વીજળી આપી રહ્યું છે ત્યારે કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે વિકાસની નવી ક્ષિતિજો ઉધાડનારી બનશે.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, કલેક્ટર શ્રી વિજય ખરાડી, એમજીવીસીએલના એમડી શ્રી તુષાર ભટ્ટ, ચિફ એન્જીનિયર સુશ્રી સ્વાતિ પારેખ જોડાયા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!