દાહોદમાં કોરોના દર્દીઓનો સાજા થવાનો દર ૯૨ ટકા થયો :દાહોદમાં અત્યાર સુધીમાં ૧૩૮૪૬૨ સેમ્પલ લેવાયા : જિલ્લામાં કુલ ૧૭૯૧ લોકો કોરોના સંક્રમિત થયા, જેમાંથી ૧૬૪૭ લોકો સ્વસ્થ પણ થઇ ગયા, કુલ એક્ટીવ કેસ ૬૫
• ડોર ટુ ડોર સર્વે માટે કુલ ૧૪૫૦ આરોગ્ય ટીમ દ્વારા રોજના ૪૦૩૮૪ ઘરોની મુલાકાત લેવાઇ રહી છે
• દાહોદમાં દરેક કોરોના સંક્રમિત થતા વ્યક્તિ દીઠ ૨૨૫ લોકોનું કોન્ટાકટ ટ્રેસિંગ કરવામાં આવે છે
• દાહોદમાં કુલ ૭૧ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ૬૯૨ ઘરોનો સમાવેશ
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં છેલ્લા અઠવાડીયા દરમિયાન કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ હજુ પણ કોરોના સંકટ યથાવત હોય દરેક નાગરિકે કોરોના સંદર્ભે સાવચેતી રાખવામાં કોઇ કચાસ ન રાખવી. ગત અઠવાડીયા દરમિયાન ધાર્મિક કારણોસર અન્ય રાજયની મુલાકાત લેનારા નાગરિકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા હોય નાગરિકો બિનજરૂરી મુસાફરી ન કરે તેમ કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, દાહોદમાં અત્યાર સુધીમાં ૧૩૮૪૬૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી કુલ ૧૭૯૧ લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે તથા ૧૬૪૭ લોકો સાજા થઇને રજા મેળવી ચૂકયા છે. આજની સ્થિતિએ દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા ૬૫ છે. ગઇ કાલે લેવામાં આવેલા ૧૮૪૬ સેમ્પલમાંથી કુલ પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે. દાહોદમાં કોરોના સંક્રમિતોનો રિક્વરી રેટ જોઇએ તો ૯૧.૯૫ ટકા છે. જયારે એક્ટીવ કેસોનું પ્રમાણ ફક્ત ૩.૯૦ ટકા છે. કોરોના સંક્રમિતોનું બમણું થવાનું પ્રમાણ ૭૨ દિવસ છે. કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ૦.૪૧ ટકા થયો છે. લેવામાં આવતા સેમ્પલોની સાપેક્ષે કુલ પોઝિટિવીટીનું પ્રમાણ ૧.૨૯ ટકા છે.
ડોર ટુ ડોર સર્વે પણ જિલ્લામાં બહોળા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. આ માટેની કુલ ૧૪૫૦ આરોગ્ય ટીમ દ્વારા રોજના ૪૦૩૮૪ ઘરોની મુલાકાત લેવામાં આવે છે અને શરદી-ખાંસી-તાવ જેવા કેસોની ઓળખ કરીને જરૂર જણાય તો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે. રોજે રોજ ૫૫ ઘન્વતંરિ રથો દ્વારા ૮૧૩૩ લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે અને કોરોનાના લક્ષણો જણાય તેમના ત્વરિત ટેસ્ટ કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે સરકારી દવાખાનામાં દવાઓ સહિત તમામ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
અત્યારે દાહોદના ઝાયડસ મેડીકલ હોસ્પીટલમાં ૪૬ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જયારે એલ.ડી. એન્જીનિયિરિંગ ખાતેના કોવીડ કેર સેન્ટરમાં ૩ દર્દીઓને સારવાર અપાય રહી છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કોન્ટ્રાકટ ટ્રેસિંગ ખૂબ મહત્વનું છે. દાહોદમાં દરેક કોરોના સંક્રમિત થતા વ્યક્તિ દીઠ ૨૨૫ લોકોનું કોન્ટાકટ ટ્રેસિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત દાહોદમાં કુલ ૭૧ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ૬૯૨ ઘરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોરોના સામે દરેક વ્યક્તિ પોતે સાવચેત રહે અને ખોટી મુસાફરી ટાળે-ખોટા મેળાવડા ટાળે તે ખૂબ જરૂરી છે. ઘરના વડીલો સંક્રમિત ન થાય તે માટે આ બંને વસ્તુઓથી સમજીને દરેક નાગરિક દૂર રહે અને કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરત જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ. કોરોના સામેની લડાઇમાં ટેસ્ટ ઇઝ બેસ્ટનો મંત્ર યાદ રાખીને કોઇ પણ લક્ષણ જણાય તો તુરત જ નજીકના સરકારી દવાખાનામાં ટેસ્ટ કરાવવો.
#Sindhuuday Dahod