દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ દિનની ઉજવણીના ભાગરૂપે વેબીનાર યોજાયો : રાષ્ટ્રનિર્માણમાં પોલીસની સંવેદના – સક્રિયતા – સજ્જતા મહત્વનું હોવાનું જણાવતા લેખક જય વસાવડા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ દિનની ઉજવણીના ભાગરૂપે એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં જાણીતા લેખક અને વક્તા શ્રી જય વસાવડાએ રાષ્ટ્રનિર્માણમાં પોલીસની ભૂમિકા ઉપર સરસ પ્રવચન કર્યું હતું. વેબીનારને પોલીસ તાલીમ ભવન ખાતેની વિશાળ સ્ક્રિન ઉપરાંત વિવિધ પોલીસ મથકો પરના સેંકડો પોલીસ જવાનોએ નિહાળ્યો હતો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઓનલાઇન વેબીનારમાં જોડાયા હતા.
પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે વેબીનારમાં જણાવ્યું કે, રાષ્ટ્રનિર્માણ એ ખૂબ વિશાળ કાર્ય છે. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નાગરિકોને સુરક્ષા-શાંતિનો અહેસાસ થાય છે. ત્યારે રાષ્ટ્ર વિકાસની દિશામાં આગળ ધપે છે. દાહોદમાં કોરોના મહામારીના સમયમાં પોલીસ જવાનો હંમેશા ફ્રન્ટ્રલાઇન વોરિર્યસ તરીકે આગળ રહ્યા. આ કપરા સમયમાં શાંતિ-સલામતિ જાળવી રાખવામાં પોલીસ જવાનોએ ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને સ્થળાંતરિત મજૂરોને યુ.પી., બિહાર જેવા પોતાના રાજયોમાં મોકલવામાં પોલીસે દિવસરાત એક કરીને અમૂલ્ય યોગદાન આપ્યું છે અને માનવતાની જ્યોતને પણ પ્રજ્વલિત રાખી છે તે માટે દાહોદના જવાનોની કામગીરીને બિરદાવું છું.
રાષ્ટ્રનિર્માણમાં પોલીસની ભૂમિકા ઉપર પ્રવચન કરતાં લેખક શ્રી જય વસાવડાએ જણાવ્યું કે, નાગરિકો માટે એક ઇમાનદાર, લડવૈયો, કદી ન ઝુકે એવા પોલીસ જવાનની એક આદર્શ છબી હોય છે. સિનેમાની સ્ક્રિન પર જયારે પોલીસને આ રીતે ઝઝુમતો બતાવાયો છે ફિલ્મ હંમેશા સુપરહીટ જ ગઇ છે. આપણા પોલીસ જવાનો ખૂબ ઓછા-ટાંચા સાધનો સાથે, ઘણા બધા દબાણ વચ્ચે કામગીરીને પાર પાડે છે. કોઇ પણ મૂશ્કેલ કેસ-ગુનાને તેઓ પોતાની સામાન્ય સૂઝબૂજને આધારે ઉકેલતા હોય છે. લોકો માટે પોલીસ અસલી જિંદગીના હિરો છે. મેં ત્રીસથી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે અને એ દેશોની પોલીસના અનુભવો પરથી કહું છું કે આપણા દેશની પોલીસ સર્વશ્રેષ્ઠ છે. જયાં વિદેશોમાં આધુનિક ફોરેન્સિક સાયન્સ વગેરેનો બહોળો ઉપયોગ કરીને ગુના ઉકેલવામાં આવે છે. અહીંયા પોલીસ બહુ મોટી ભીડમાં પણ વ્યક્તિના હાવભાવ, વાણી-વર્તન અને ચહેરો જોઇને ગુનેગારને ઓળખી પાડે છે. સરકાર ગુનાખોરીને કડક હાથે ડામવા પ્રયત્નશીલ છે ત્યારે પોલીસ જવાનોને યોગ્ય વાતાવરણ મળે એ પણ એટલું જ જરૂરી છે.
પોલીસ જવાનોની કામગીરીના સંદર્ભમાં તેમણે નાગરિક ધર્મની વ્યાખ્યા કરતા જણાવ્યું કે, નરસિંહ મહેતાએ રચેલું ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ એ પદ જાણે પોલીસ જવાનો માટે જ સટીક બેસે છે. નાગરિકો કોઇ ઘટના માટે સંવેદના જન્મે છે પણ એટલી જ જરૂરી સક્રિયતા પણ છે. પોલીસ જવાનો જયારે કોઇ ચોરી-લૂટફાંટ-બળાત્કાર જેવી ઘટનામાં સંવેદના સાથે સક્રિયતા પણ એટલી જ બતાવે છે. નરસિંહ મહેતાના પદમાં કહેવાયું છે તેમ તે ‘પરદુખે ઉપકાર કરે અને મન અભિમાન ન આણે રે’ એટલે કે માત્ર નિમિત બનીને, હળવાસથી આખી બાબતમાંથી પસાર થઇ જવાનું છે. પોલીસે ‘પીડ પરાઇ જાણીને’ એટલે કે સંવેદના સાથે સક્રિયતા દાખવવાની હોય છે.
પોલીસની કામગીરી વિશે વાત કરતા શ્રી વસાવડાએ જણાવ્યું કે, પોલીસે પોતાના જીવનમાં સહજતા, સ્વભાવિકતા અને સક્રિયતા વણી લેવાની છે. મોટા અધિકારીઓ સ્પોર્ટસ કે સિનેમા થકી પોતાનો સ્ટ્રેસ રીલેક્સ કરતા હોય છે તેવો જવાનો પાસે વિકલ્પ નથી હોતો ત્યારે સતત સ્ટ્રેટમાં કામ કરતા જવાનોએ અગાઉ કહ્યું તેમ તેમણે સ્ટ્રેસ લેવાનો નથી માત્ર સહજતાથી આ બધામાંથી પસાર થવાનું છે.
સામાન્ય નાગરિક જયારે વર્દીધારી પોલીસને જુએ છે તો એક હાશકારો અનુભવે છે. ટ્રેનમાં કોઇ સ્ત્રી એકલી મુસાફરી કરતી હોય કે રાતના બહાર જવાનો પ્રસંગ બને ત્યારે પોલીસને જોઇને આપણને શાંતિનો અહેસાસ થાય છે. આ માનસિક હાશકારોએ પોલીસની પ્રતિષ્ઠા છે. અંગ્રેજી પોલીસ શબ્દમાં જેમ દરેક અક્ષરનો અર્થ કરવામાં આવે છે તેમ પોલીસમાં વફાદારી, હિંમત, બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વણાયેલા હોય છે. જેમ દરવાજે ઊભેલો વ્યક્તિ કંપનીની ઓળખ છે, જેમ બેન્કનો કેશિયર એ સામાન્ય ગ્રાહક માટે બેન્કની ઓળખ છે, બેન્કનો સીઇઓ નહી તેમ દરેક પોલીસ જવાન એ પોલીસની ઓળખ છે. આ ઓળખને દરેક જવાને સાચવવાની છે. જેમ કૃષ્ણના એક હાથમાં નરાધમો માટે સૂદર્શન ચક્ર પણ છે અને એક હાથમાં ગોપીઓ માટે વાંસણી પણ વગાડે છે અને મહત્વની વાત એ છે કે સૂદર્શન ચક્ર વિના વાંસણી કોઇ વાગવા નહીં દે. પોલીસે પોતાની આ ભૂમિકા સમજવાની છે. જેમ નાના નાના પીકસેલ થકી જ સ્ક્રિન પર મોટું દશ્ય રચાય છે તેમ દરકે નાના પોલીસકર્મીઓથી જ પોલીસની મોટી છબી નિર્માણ પામે છે.
શ્રી વસાવડાએ જણાવ્યું કે, રાષ્ટ્રનિર્માણ માટે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સાથે જય ઇમાન સૂત્ર પણ પોલીસ જવાનોએ યાદ રાખવાનું છે. જયારે પણ પોલીસ સો ટકા ઇમાનદારીથી નિષ્ઠાપૂર્વક કામ કરે છે ત્યારે તેની નોંધ લેવાય જ છે. ઓફીસમાં પણ આવા કર્મચારીની ગેરહાજરી તરત વર્તાય છે. રાષ્ટ્રનિર્માણ માટે જવાનોએ સરળ, સહજ અને સજ્જ બનવું પણ એટલું જ જરૂરી છે. પોલીસે એટલા ગળ્યા પણ થવું નહીં કે કોઇ ગળી જાય અને એટલા કડવાં પણ ન થવું કે કોઇ થુકી દે. જેમ મમ્મી ઘરમાં જે રીતે સંચાલન કરે છે તે રીતે જ જવાનોએ કર્તવ્ય નિભાવવાનું છે. નિષ્ઠા, સમર્પણભાવ અને ત્યાગની ભાવના થકી જ ગાંધીજી સાથે કરોડો ભારતીયો જોડાયા હતા. જવાનોએ આ વાત કેળવવાની છે.
વેબીનારમાં શ્રી જય વસાવડાએ ગાંધીજીની સમાધિ પર અંકિત વાતને સમજાવતા જણાવ્યું કે, દરેક નાગરિકે ગુનાખોરીથી દૂર રહેવા આ સાત વાતો અપનાવવાની જરૂર છે. પરિશ્રમ વિનાના પૈસાને પાપ ગણવું, સદાચારવિહિન વેપાર, સિદ્ધાંતવિહિન રાજકારણ, ચારિત્રવિહિન શિક્ષણ, કલ્યાણવિહિન વિજ્ઞાન, વિવેકહીન સુખ અને વૈરાગ્યવિહિન ઉપાસનાને પાપ સમાન ગણવી.
વેબીનારમાં દાહોદ સાથે જોડાયલા સંભારણા યાદ કરતા તેમણે જણાવ્યું કે, દાહોદના બાવકાનું શિવ મંદિર, દેવગઢ બારીયા અને અન્ય પ્રાકૃતિક સ્થળો ખરેખર જોવાલાયક છે. અહીંની કચોરી સહિતની ખાણીપીણી પણ તેમને ખૂબ પ્રિય હોવાનું જણાવ્યું હતું.
વેબીનારનું સુચારૂં સંચાલન જિલ્લા માહિતી કચેરીના સહાયક સંપાદક શ્રી દર્શન ત્રિવેદીએ કર્યું હતું. મોટી સંખ્યામાં ઓનલાઇન જોડાનારા નાગરિકો, પોલીસ જવાનો થકી વેબીનાર ખૂબ જ સફળ રહ્યો હતો.
#Sindhuuday Dahod