દાહોદના પશુપાલકોને પશુઓના ટેગિંગની કામગીરીમાં સહકાર આપવા અપીલ
દાહોદ તા.૨
ભારત સરકારના ઇન્ફર્મેશન નેટવર્ક ફોર એનિમલ પ્રોડક્ટવિટી એન્ડ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને કડી (ટેગ) કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના એકવીસ લાખ જેટલા પશુઓને આવરી લેવાશે. આ ટેગિંગ પશુઓના આધાર કાર્ડ સમાન છે.
જિલ્લાના તમામ પશુપાલકોએ કડી મારવા માટે આવનારા પશુપાલન ખાતાના કર્મચારીઓને કડી મારવા માટે જરૂરી માહિતી નામ, આધારકાર્ડ તેમજ મોબાઇલ નંબર આપવાનો રહેશે. જેની નોંધણી INAPH સોફ્ટવેયરમાં કરવામાં આવશે. આ પ્રમાણે રજીસ્ટર થયેલા પશુઓને ભવિષ્યમાં કુદરતી આપત્તિથી મૃત્યુના કિસ્સામાં તેમજ સરકારની યોજનાઓ તેમજ પશુ ખોવાઇ કે ચોરાઇ જવાના કિસ્સામાં પોલીસ ફરીયાદ નોંધણી માટે જરૂરી પૂરવાર થશે. પશુપાલન ખાતાના કર્મચારી પશુપાલકના ઘરે ટેગીગની કામગીરી કરવા આવે ત્યારે કોઇ પણ જાતના સંકોચ વગર ટેગીગની કામગીરી કરાવી લેવી. ઉપરાંત કોઇ પશુપાલકોના પશુઓના ટેગીગની કામગીરી બાકી હોય તો તે માટે નજીકના કૃત્રિમ બીજદાન કર્મચારી, પ્રાથમિક પશુસારવાર કેન્દ્ર અથવા પશુ દવાખાનાનો સંપર્ક કરવા એક યાદીમાં નાયબ પશુપાલન નિયામકશ્રી, દાહોદે જણાવ્યું છે.
#Sindhuuday Dahod

