દાહોદ કલેક્ટર કચેરીના કર્મયોગી શ્રી કેનથ ડામોરનું કોરોનાથી અવસાન થતા શ્રદ્ધાંજલિ અપાઇ
દાહોદ તા.૨
દાહોદ કલેક્ટર કચેરીના હિસાબી શાખામાં કારકુન તરીકે ફરજ બજાવતા શ્રી કેનથ ડામોરનું કોરોના સંક્રમણથી ગત શનીવારે દુ:ખદ અવસાન થતાં જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડી, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.જે. દવે સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ આપી હતી.
આ શોકના પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, શ્રી ડામોર એક નિષ્ઠાવાન, ફરજપસ્ત કર્મચારી હતા. તેમના ગત શનીવારે થયેલા અવસાન માટે હું શોકની લાગણી વ્યક્ત કરૂ છું અને એમના પરીવારજનો પર આવી પડેલા દુખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાથના કરૂ છું.
કલેક્ટરશ્રી ખરાડીએ સદ્દગતના શોકસંતૃપ્ત પરિવારજન પ્રત્યે પણ દિલસોજી વ્યક્ત કરી છે અને તેમને મળવાપાત્ર સરકારી સહાય ત્વરાથી મળે એવી કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપી છે.
વહીવટી તંત્ર માટે દરેક દરેક કર્મચારી ખૂબ મહત્વનો છે. કોરોના સામેની લડાઇ જીતવા માટે જીવતા રહેવું અને મક્કમપણે સાવધાની સાથે કોરોનાનો મુકાબલો કરવો એ ખૂબ જરૂરી છે. દરેક કર્મચારી કોરોના સામેની બધીજ સાવચેતીનું ફરજીયાત પાલન કરે. કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરત ટેસ્ટ કરાવી લેવો. કોરોનાની કેટલીક બાબતોથી આપણે સાવ અજાણ છીએ. હાઇપોક્સીયામાં શરીરમાં સીત્તેર ટકા સુધી ઓક્સીજન ઘટી જાય છે અને દર્દીને બચાવવો ખૂબ મુશ્કેલ બની જાય છે. ફ્રન્ટલાઇન કોરોના વોર્રિયર્સ તરીકે જયારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે ટેસ્ટ ઇઝ બેસ્ટ મંત્ર હંમેશા યાદ રાખો અને કોઇ પણ લક્ષણ જણાય તો તુરત ટેસ્ટ કરાવો.