દસ નવી અત્યાધુનિક બાઇકો સાથે હાઇ વે પર બાજ નજર રાખશે દાહોદ જિલ્લા પોલીસ : હાઇવે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી વધુ ચુસ્ત બનાવવા દસ અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર
દાહોદ તા.૪
દાહોદના હાઇ વે પર નાઇટ પેટ્રોલીંગની કામગીરી હવે વધુ ચુસ્ત બની છે. જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે આજ રોજ ખંગેલા ચેક પોસ્ટ ખાતેથી ૧૦ નવી અત્યાધુનિક બાઇકોને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત પાંચ બાઇકો દાહોદ શહેરની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે ટાઉન પોલીસને ફાળવવામાં આવી છે. આ પ્રસંગે એએસપી સુ શ્રી શૈફાલી બારવાલે પણ બાઇકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ ઇન્દોર હાઇવે પરનો સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન બનાવવામાં આવ્યો છે. પરિણામે હાઇવે પરની ચોરી-લૂટફાંટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. હાઇવે પર નવ પોલીસ સહાયતા કેન્દ્ર પર પોલીસકર્મી ચોવીસે કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. રાતે પસાર થતાં મુસાફરોને કોઇ પણ પ્રકારની સહાય અને સુરક્ષા માટે તેઓ પ્રતિબદ્ધ છે. રાત્રી દરમિયાન પોલીસની ૧૦ ગાડીઓ સતત પેટ્રોલીગ દ્વારા હાઇવે પર બાજ નજર રાખે છે. ત્યારે અત્યાધુનિક ૧૦ બાઇકો સાથે હાઇ વે પરની સુરક્ષાને વધુ સઘન બનાવવામાં આવી છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ માટે જરૂરી ગ્રાંન્ટની ફાળવણી કરી હતી. પંચમહાલ પોલીસ રેન્જ આઇ.જી. શ્રી એમ.એસ. ભરાડાએ હાઇ વે પરની સુરક્ષાને અગત્યની પ્રાથમિકતા ગણી પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ત્યારે ભવિષ્યમાં હાઇ વે પરની સુરક્ષા હજુ પણ વધુ અત્યાધુનિક સાધનો સાથે સજજ કરવામાં આવશે. હાઇ વે પર મદદ માટે કોઇ પણ નાગરિક હેલ્પ લાઇન નં. ૮૭૮૦૩૯૦૩૯૭ પર ફોન કરી શકે છે.
આ પ્રસંગે લીમખેડા ડીવાયએસપી સુ શ્રી કાનન દેસાઇ, ડીવાયએસપી શ્રી સોલંકી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod