દેવગઢ બારીયાના અંતરિયાળ ગામોમાં ૧૫ કરોડથી વધુના ખર્ચે પાકા રસ્તાઓની કામગીરીનો આરંભ કરાવતા રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ : દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં ૧૫૭૬.૫૦ લાખના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનો શુભારંભ : કોઇ પણ ગામના વિકાસ માટે પાકા રસ્તા પ્રથમ જરૂરીયાત હોવાનું જણાવતા રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ

દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ૧૫ કરોડથી વધુના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાની કામગીરીનો આરંભ રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે દેવગઢ બારીયાના ટીડકી ગામથી ખાતમુહૂર્ત કરાવીને કર્યો છે. ઉપરાંત તેમણે ઝાબીયા, મોટી ખજૂરી, અંતેલા, હીન્દોલીયા અને અસાયડી ગામ ખાતે પણ પાકા રસ્તા બનાવવાની કામગીરીનો આજે શુભારંભ કરાવ્યો છે. દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં ૧૫૭૬.૫૦ લાખના ખર્ચે ૨૮.૩૮ કિ.મી.ના પાકા રસ્તાઓની કામગીરીનું મંત્રી શ્રી ખાબડે ખાતમુહૂર્ત કર્યું હતું.
રાજય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇ પણ ગામના વિકાસ કરવો હોય તો રસ્તો એ પ્રથમ જરૂરીયાત છે. જે ગામમાં પાકા રસ્તા નથી હોતા તેઓનો વિકાસ થઇ શકતો નથી. ગામોના વિકાસ માટે સરપંચની જાગૃકતા અને સક્રિયતા પણ એટલી જ મહત્વની છે. રાજય સરકારે દરેક ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો સર કરી છે ત્યારે છેવાડાના ગામોના વિકાસને સરકારે હંમેશા પ્રથમ પ્રાથમિકતા આપી છે.
તેમણે ઉમેર્યું કે, આજ રોજ દેવગઢ બારીયાના વિવિધ અંતરિયાળ ગામો જયાં પાકા રસ્તાની તાતી જરૂરીયાત હતી ત્યાં નવા પાકા રસ્તાઓની કામગીરીનો ખાતમુહૂર્ત કરી આરંભ કરીએ છીએ. જે ૬ ગામોમાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમાં ટીડકી ગામના બે રસ્તાઓ બે કી.મી. અને ૩.૫૦ કી.મી.ની લંબાઇના અનુક્રમે ૧ કરોડ તથા ૭૦ લાખના ખર્ચે, ઝાબીયા ગામમાં ૧.૨૦ કી.મી.ની લંબાઇનો એક રસ્તો ૩૯.૪૩ લાખના ખર્ચે, મોટી ખજૂરી ગામમાં બે રસ્તાઓ ૦.૬૦ અને ૭ કી.મી.નાં અનુક્રમે ૪૦ લાખ અને ૩.૫ કરોડના ખર્ચે, અંતેલા ગામમાં ૧.૬૩ કી.મી. અને પાંચ કી.મી. ના બે રસ્તાઓ અનુક્રમે ૩૦.૯૭ લાખ અને ૩૯૩.૨૧ લાખના ખર્ચે, હીન્દોલીયા ગામમાં ૧.૮૫ કી.મી.નો એક રસ્તો ૭૫ લાખના ખર્ચે, અસાયડી ગામમાં ૫.૬૦ કી.મી. નો એક રસ્તો ૪૭૭.૮૯ લાખના ખર્ચે બનાવવામાં આવશે.
આ પાકા રસ્તાઓ બનવાથી ગામનો વિકાસ ઝડપી થશે. રાજય સરકારે દાહોદ જિલ્લાના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. રાજય સરકારે ખેડૂતોને સિંચાઇ માટે થ્રી ફેઇઝ વીજળી દિવસે પણ આઠ કલાક મળે તે માટેની યોજનાની શરૂઆત દાહોદ જિલ્લાથી કરી છે અને જિલ્લાના ખેડૂતોને દિવસે વિજળી મળતાં મોટી રાહત મળી છે. ખૂબ નજીકના ભવિષ્યમાં સિંચાઇની યોજનાઓ, ઘરે ઘરે પીવાના પાણી મળે તે માટેની યોજનાઓ પણ સાકાર થશે અને જિલ્લામાં લોકોને તેના લાભ મળતા થશે.
કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી શ્રી અમરસિંહ રાઠવા, શ્રી કરણસિંહ, શ્રી સરદારસિંગ ઉપરાંત દેવગઢ બારીયાના પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રતિક સોની, ગામના સરપંચશ્રી, આંગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: