સી.એમ. ડેશબોર્ડ છેવાડાના માનવી માટે બન્યું હમદર્દ : સીએમ ડેશ બોર્ડમાંથી ફોન આવ્યો અને દાહોદ જિલ્લાના શીલાબેન નિનામાની તુરંત સોનોગ્રાફી થઇ
અણીના સમયે મળેલી મદદનો ઉ૫કાર જીવનપર્યંત ભૂલાતો નથી. એમાંય જો તમને કોઇ શારીરિક તકલીફ થઇ હોય અને તેવા સમયે બનેલા મદદગાર દેવદૂતસમાન લાગે છે. આવું જ કંઇક દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન પપ્પુભાઇ નિનામા સાથે બન્યું છે. તેમના માટે સીએમ ડેશ બોર્ડ હમદર્દ બન્યંા અને આ ઘટના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારની સંવેદનશીલતાની પરિચાયક બની.
મૂળ વાત એમ છે કે, થોડા દિવસો પૂર્વે શીલાબેન તેમના પતિ સાથે મુસાફરી કરતા હતા. સાતમો માસ જતો હતો પણ, આ સામાજિક પ્રવાસ ટાળી શકાય એવો નહોતો. એટલે નાછૂટકે જવું પડ્યું. હવે થયું એવું કે આ પ્રવાસના કારણે તેમને દુઃખાવો ઉપડ્યો.
તેમને તાત્કાલીક દવાખાને ખસેડવા પડ્યા. ડોક્ટરે તેમની સ્થિતિને ધ્યાને રાખી દવા તો આપી પણ, ગર્ભાવસ્થા હોવાથી વધુ તપાસ કરવા માટે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. સોનોગ્રાફી કરવી ખૂબ જ જરૂરી હતી.
શીલાબેનના પતિ છૂટક શ્રમકાર્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોજનું કમાઇ રોજનું જમવાનું એવી સ્થિતિ. આવા સંજોગોમાં શીલાબેનને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી આર્થિક રીતે પોસાય એમ નહોતું. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગયા તો ત્યાં બે દિવસ પછી વારો આવે એમ હતો. એટલે શીલાબેનને રડમસ ચહેરે ઘરે પરત આવવું પડ્યું.
હવે થયું એવું કે, શીલાબેનને સોનોગ્રાફી કરાવવાની વાત સીએમ ડેશ બોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યાલયના ધ્યાને આવી. આરોગ્ય સેવાને સુદ્રઢ બનાવવા માટે સતત યત્નશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવી બાબત તુરંત સંલગ્ન તંત્રને ધ્યાને લાવવા સૂચના આપી છે. એથી ઝાયડ્સ હોસ્પિટલમાં ગાંધીનગરથી ફોન આવ્યો અને શીલાબેનની તુરંત સોનોગ્રાફી કરવાની સૂચના આપવામાં આવી.
શીલાબેનને હોસ્પિટલે બોલાવવામાં આવ્યા અને તેની સોનોગ્રાફી કરાવવામાં આવી. સીએમ ડેશ બોર્ડ તેમના માટે હમદર્દ બન્યું. સાથે, સરકારના ખર્ચે સારવાર પણ કરાવવામાં આવી. જેમાં આયર્નની ગોળી સહિતની દવાઓ પણ આપવામાં આવી.
શીલાબેન કહે છે કે, તેમને સપનેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે. મારી આવી દરકાર રાખવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું.