તહેવારોના સમયમાં જિલ્લામાં કોરોના સંક્રમણનું જોખમ બમણું હોય સૌ નાગરિકો માસ્ક – સામાજિક અંતર સહિતના નિયમોનું ચોક્કસ પાલન કરવાની કલેક્ટરશ્રીની અપીલ
ઝાલોદ, લીમડી, દાહોદ-દેવગઢ બારીયા શહેરમાં હાલના તબક્કે સંક્રમણનું મોટું જોખમ હોય તંત્રને સહયોગ આપે
૦૦
• ખરીદી પછી પણ કરી શકાય છે, બજારમાં-ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો
• વેપારીઓ નિયમિત રીતે દર પંદર દિવસે કોરોના ટેસ્ટ કરાવે
• દિવાળીના તહેવારોમાં ઘરના વડીલોની વિશેષ કાળજી લો
• કોરોના સંદર્ભે સરકારી નિયમોનું પાલન ન કરનારા પર સખત દંડનીય કાર્યવાહી કરાશે
• કોરોનાની સાવચેતી બાબતે વ્યક્તિગત ડીસીપ્લીન જાળવી ઉદાહરણરૂપ બનો
દાહોદ, તા. ૧૦ : કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોને વધુ સાવચેત રહેવા, સરકારી નિર્દેશોનું પાલન કરવા અને તંત્રને સહયોગ આપવા અપીલ કરી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દિવાળીના તહેવારોના સમયમાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બજારોમાં ખરીદી માટેની ભીડ લાગી રહી છે ત્યારે નાગરિકો કોરોના સંક્રમણથી બચવા માટે કેટલીક બાબતોનું અવશ્ય પાલન કરે. માસ્ક પહેરવું એ અત્યારના સમયમાં અતિઆવશ્યક બની ગયું છે અને આપણી જવાબદારી છે કે માસ્ક પહેરીને કોરોનાને ફેલતો અટકાવીએ. માસ્ક ઇસ બેસ્ટ વેક્સિન. જ્યાં સુધી રસી ના શોધાય ત્યાં સુધી માસ્ક એ જ કોરોનાની રસી છે, રક્ષાકવચ છે. લોકો માસ્ક અવશ્ય પહેરે તેવી અપેક્ષા છે.
માસ્કની જેમ જ અગત્યની બાબત સામાજિક અંતરનું પાલન કરવાનું છે. સામાજિક અંતરથી આપણે સંક્રમણને ફેલતું અટકાવી શકીએ છીએ. જયાં પણ જવાનું થાય દો ગજ કી દૂરીનું સૂત્ર યાદ રાખી જરૂરી સામાજિક અંતર જાળવીએ. ઉપરાંત ભીડભાડવાળી જગ્યાથી સમજીને દૂર રહીએ તે આપણા અને આપણા પરિવારજનોની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
જે લોકો બિઝનેસ કરી રહ્યાં છે અને બજારમાં તેમની બેઠક વધારે હોય છે કે વધારે આવ-જા થતી હોય તેવા લોકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે તે બાબત વિશેષ ધ્યાનમાં રાખીને દર પંદર દિવસે કોરોનાનો ટેસ્ટ કરાવતા રહે. વેપારી વર્ગના લોકોએ આવો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે જેથી તેઓ સુપર સ્પેડ્રર ન બને અને મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત ન બને. આ માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને સહકાર આપવો પણ એટલું જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, દિવાળીના આ તહેવારોમાં ઘરના વડીલોનું વિશેષ કાળજી રાખવાની છે. ખાસ કરીને જેમને અન્ય કોઇ મોટી બિમારી છે તેમણે ખાસ ધ્યાન રાખીને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરવાનું છે. તહેવારોના સમયમાં સંક્રમણનું જોખમ બમણું થયું છે ત્યારે વડીલો બજારમાં કે ભીડભાડવાળી જગ્યાએ ન જાય.
કોરોના મહામારીને હરાવવા માટે વ્યક્તિગત ડીસીપ્લીન રાખવાની તાતી જરૂર છે. વ્યક્તિગત સ્તરે જયાં સુધી માસ્ક, સામાજિક અંતર જાળવવું જેવી મહત્વની બાબતોને આદત તરીકે અપનાવી લેવી જોઇએ અને બીજા લોકો માટે ઉદાહરણરૂપ બનવું જોઇએ.
તેમણે જણાવ્યું કે, જે લોકો કોરોના બાબતેના સરકારી નિયમોનું પાલન કરતા નથી. માસ્ક પહેરવું-સામાજિક અંતર જાળવવું જેવા પાયાના સલામતી-સાવચેતીના નિયમોનો ભંગ કરે છે તેમની સામું તંત્ર દ્વારા સખત કાનુની પગલા લેવામાં આવશે અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ વાત બેદરકાર રહેતા લોકો ખાસ લક્ષમાં લે.
ઝાયડસ મેડીકલ કોલેજનો પીએસએમ વિભાગ કોરોના બાબતે જરૂરી આગાહીઓની તંત્રને જાણ કરે છે. તેમની સૂચના મુજબ ઝાલોદ, લીમડી, દાહોદ શહેર તથા દેવગઢ બારીયા શહેરમાં હાલના તબક્કે સંક્રમણનું મોટું જોખમ તોળાય રહ્યું છે. માટે આ વિસ્તારમાં રહેતા નાગરિકો અલર્ટ થઇ જાય અને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરે. ઝાલોદ અને લીમડીના નાગરિકો આ બાબતે તંત્રને પૂરેપૂરો સહકાર આપે.
દાહોદમાં કોરોનાની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે તો ગત્ત તારીખ ૭ની સ્થિતિએ પ્રતિ દસ લાખ વ્યક્તિએ ૬૪૪૬૪ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિ દસ લાખે ૭૫૮ લોકોને કોરોના વાયરસ લાગ્યો હતો. ટેસ્ટની સાપેક્ષે પોઝિટિવીટીનું પ્રમાણ ૧.૧૮ ટકા છે. ગુજરાતમાં સૌથી ઓછો પોઝિટિવીટી ધરાવતા ત્રણ જિલ્લામાં દાહોદનો સમાવેશ થાય છે. કોરોનાના કેસો ડબલ થવાના દિવસો ૮૧ થયા છે. જ્યારે, રિક્વરી રેટ ૯૩ ટકા જેટલો છે. કમ્પાઉન્ડ ડેઇલી ગ્રોથ રેટ ઘટીને ૦.૩૮ ટકા થયો છે.
બીજી એક વાત એ પણ નોંધવી જોઇએ દાહોદમાં અન્ય બિમારી ધરાવતા હોય એવા એટલે કે કોમોબિડ વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તેમની ઉંમર ૪૬થી ૯૦ વર્ષ વચ્ચેની હોય છે. એટલે, દાહોદ જિલ્લાના લોકોએ પોતાના વડીલોની ખાસ તકેદારી રાખવાની જરૂરત છે.
#Sindhhuudaydahod