પોણા કરોડને ખર્ચે તૈયાર થયેલી ઉદવહન સિંચાઇ યોજનાની શરૂઆત થતાં સીંગવડના બારેલા-પાલ્લા ગામના ૧૧૦ ખેડૂત પરિવારોને દિવાળી : સાડા ચાર કિ.મી.ની ડિસ્ટ્રીબ્યુશન લાઇન દ્વારા ખેતીના ૧૬૩ એકર વિસ્તારને સિંચાઇના પાણી મળ્યાં : સિંચાઇના પાણીનો લાભ મળતાં બારેલા-પાલ્લા ગામના ખેડૂતો સમૃદ્ધિના નવા શિખરો સર કરશે – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદ તા.૧૨
સીંગવડના બારેલા-પાલ્લા ગામના ૧૧૦ ખેડૂત પરિવારો માટે આ દિવાળી ખરા અર્થમાં દિવાળી બની છે. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પોણા કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થયેલી અને ગામના ૬૬ હેક્ટર એટલે કે ૧૬૩ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી પુરૂ પાડતી ઉદવહન સિંચાઇ યોજનાનું આજે લોકાર્પણ કર્યું છે. આ સિંચાઇ યોજના માટે આશરે ૪.૫ કિ.મી.ની મુખ્ય તથા ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનની જાળ પાથરવામાં આવી છે.
આ પ્રસંગે સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, ‘ખેતી અને ખેડૂતનું સમૃદ્ધિ માટે સિંચાઇનું બારેમાસ પાણી પહેલી અને મુખ્ય જરૂરીયાત છે. જે બારેલા પાલ્લા ગામના ખેડૂતો માટે પ્રગતિનો નવો પથ કંડારશે. સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોને રોજગારી માટે સ્થળાંતર જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે છતાંય તેમની આર્થિક પરિસ્થિતિમાં કોઇ ફર્ક પડતો નથી. ત્યારે ખેડૂતોની આ સમસ્યાને નિવારવા માટે અને છેવાડાના ગામડા સુધી સિંચાઇ યોજનાનો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકારમાંથી અથાગ પ્રયત્નો દ્વારા ૭૯.૬૮ લાખની ગ્રાંન્ટ મંજૂર કરાવી છે અને અહીંના ખેડૂતોની વર્ષો જૂની માંગને આ સિંચાઇ યોજના થકી પૂર્ણ કરી છે.’
સીંગવડ ખાતે આવેલું બારેલા પાલ્લા ગામ ભૌગોલિક રીતે પણ ઘણું પ્રતિકુળ સ્થિતિમાં છે. ચોતરફના ડુંગરાળ વિસ્તાર ઉપરાંત એક તરફ જંગલ વિસ્તાર આવેલો છે. બીજી તરફ હડફ જળાશય આવેલો છે પરંતુ તેના પાણીના લાભ ફક્ત કિનારાના ખેડૂતો સુધી જ પહોંચતા હતા. આ સ્થિતિમાં ખેડૂતોને ઘણી પ્રતિકુળતાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે ગામના ૧૧૦ ખેડૂતો તેમની ૧૬૩ એકરની જમીનને સિંચાઇના પાણી મળી રહે એ માટે ૭૯.૬૮ લાખની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપવામાં આવી અને ફક્ત નવ જ મહિનામાં ૫૫૦ મીટરની મુખ્ય પાઇપલાઇન, ૩૮૯૦ મીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી. ઉપરાંત આ સિંચાઇ યોજના માટે ૩૬ કુન્ડીઓ, કુલ ૪૫ હોર્સ પાવર માટે ૧૫ હોર્સ પાવરની ત્રણ પંપ મોટર લગાવવામાં આવી છે. આ સિંચાઇ યોજનાની કામગીરી પૂર્ણ થતાં બારેલા-પાલ્લા ગામના ખેડૂતો સાચા અર્થમાં દિવાળી થઇ છે.
દાહોદ જીલ્લામાં કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. અને ભવિષ્યમાં પણ જીલ્લામાં પણ અનેક કામગીરીઓ કરવા સૂચન કર્યુ. ગામના સરપંચ શ્રી તથા ખેડુતોના જણાવ્યા મુજબ સિંચાઇ યોજના ન હતી તે પહેલા આ વિસ્તારમાં ખેડુતો ૨૫ % વિસ્તારમાં જ ખેતી કરી શકતાં હતાં જે આ યોજનાની સિંચાઇ સુવિધાથી ૧૦૦ % વિસ્તારમાં ખેતી કરી શકીશુ. તેમજ ગામમાં પહેલુ ખેતી વિષયક વિજ જોડાણ પણ આ યોજના થકી આવેલ છે. તે બદલ પણ ખેડુતોએ સાંસદસભ્ય શ્રી તથા જળસંપતિ નિગમના અધિકારીઓનો આભાર માન્યો હતો
કાર્યક્રમ દરમ્યાન સીંગવડ તાલુકા પ્રમુખ શ્રી કીશોરી, તાલુકા વિકાસ અધિકારી શ્રી મકવાણા, જીલ્લા પંચાયતના સભ્યો, આજુ બાજુના ગામોના સરપંચશ્રીઓ, તાલુકાના અગ્રણીઓ તેમજ જળ સંપતિ નિગમના દાહોદના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી દેવનાની તથા અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: