સરકાર દ્વારા જાહેર કરાયેલા સૂચનોનું પાલન કરીને આગામી દિવાળીનું પર્વ સુરક્ષિત રીતે ઉજવવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ : ફટાકડા ફોડવામાં નાગરિકો વિવેક જાળવે અને નિયમોનું પાલન કરે : કોરોના આપણી વચ્ચે જ છે ત્યારે દિવાળી પર્વ દરમિયાન તમામ સાવચેતીઓનું નાગરિકો પાલન કરે
દાહોદ તા.૧૨
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજથી શરૂ થતાં દિવાળીના પર્વની શુભેચ્છાઓ સાથે આગામી તહેવારોને પૂરી સાવચેતી સાથે રાજય સરકાર અને તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ચુસ્ત પાલન સાથે કરવા જણાવ્યું છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, આજથી શરૂ થતાં દિવાળીના તહેવારોની સૌ નાગરિકોને શુભેચ્છાઓ. દાહોદના સૌ નાગરિકો તહેવારની ઉજવણી પૂરી સાવચેતી અને સલામતી સાથે ઉજવે. નાગરિકોની સુરક્ષા-સલામતીને ધ્યાને રાખીને રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આગામી દિવાળી-બેસતું વર્ષ અને ક્રિસમસના તહેવારોને ધ્યાને રાખીને જાહેરનામાં પસિદ્ધ કરાયા છે. જે મુજબ ફક્ત રાત્રે ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાનાં હાનિકારક ધૂમાડાની ઘણી પ્રતિકુળ અસરો કોરોનાના દર્દીઓ પર થાય છે. જે લક્ષમાં લઇને રાજય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
લોકોને અગવડ ન પડે અને કોઇ પણ ભયજનક પરિસ્થિતિ નિવારવા આ તહેવારો દરમિયાન જાહેર સ્થળો, બજારો, જાહેર માર્ગો, પેટ્રોલ પંપ-એલપીજી ગેસ એજન્સીની આસપાસ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ તુક્કલથી બનતાં આગના બનાવોને ધ્યાનમાં રાખીને તેના પર પણ પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. સાથે સરકારી કે ખાનગી દવાખાનાની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં પણ ફટાકડા ફોડી શકાશે નહી.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ આપેલા સૂત્ર વોકલ ફોર લોકલ સૂત્રને અનુસરીને સૌ નાગરિકો દિવાળીની ખરીદી લોકલ માર્કેટમાંથી કરીને સ્થાનિક અને નાના વેપારીઓને ફાયદો કરાવવો જોઇએ. હજુ કોરોના આપણી વચ્ચે જ છે ત્યારે આ દિવાળીના તહેવારો સૌ નાગરિકો કોરોનાની તમામ સાવચેતીઓ યાદ રાખીને માસ્ક પહેરી, સામાજિક અંતરને જાળવીને સુરક્ષિત રીતે ફરી એકવાર અપીલ કરૂ છું.
#Sindhuuday Dahod

