ઝાયડ્સ મેડિકલ કોલેજની વિવિધ શાખાના વડા તબીબોનું સન્માન કરાયું : કોરોના કાળમાં તબીબોની સેવાને બિરદાવતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
કોરોનાથી સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થનારી ઝાયડ્સ મેડિકલ કોલેજમાં કાર્યરત વિવિધ શાખાઓના વડા એવા તબીબોનું આજે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
કોરોનાકાળમાં દર્દીઓની સારવાર કરવામાં દિનરાત જોયાવિના કામ કરનારી ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની પરિચારિકાઓથી માંડી સ્વચ્છતાકર્મીઓને પણ પ્રોત્સહન મળે એ રીતે કામ કરવાનું જણાવતા કલેક્ટરશ્રી ખરાડીએ ઉમેર્યું કે, દાહોદમાં એપ્રિલ માસથી શરૂ થયેલી કોરોના સામેની લડાઇ આજ સુધી શરૂ છે. તેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓએ એક પણ રજા લીધા વિના કામ કર્યું છે. પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વિના આરોગ્યકર્મીઓએ દર્દીનારાયણની સેવા કરી છે. આવા આરોગ્યકર્મીઓની સેવાનું સન્માન કરવાથી તેમને પોત્સાહન મળે છે. એમ કહી કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ આરોગ્યકર્મીઓને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
ઝાયડ્સ મેડિકલ કોલેજના ડિન શ્રી સી. બી. ત્રિપાઠીએ કોરોનાકાળમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલા સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયાએ કાર્યક્રમની ભૂમિકા આપી હતી.
કલેક્ટરશ્રીએ મેડિકલ કોલેજના ડિન શ્રી સી. બી. ત્રિપાઠી, મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો. ભરત હઠીલા, ડો. પી. ડી. મોદી, ડો. અતુલ, ડો. જયશ્રી, જનરલ મેનેજર શ્રી પ્રકાશ પટેલનું આ તકે સન્માન કર્યું હતું.
#Sindhuuday Dahod

