૧૯ વર્ષીય છોકરીની આબરૂ લેવાની કોશીશ કરતા, છોકરી તેઓના તાબે ન થતા ત્રણે નરાધમોએ
દાહોદ, તા.૧૪
દાહોદ તાલુકાના લીલર ગામે તળાવ પાસે પોતાની બહેનપણીઓ સાથે ભેંસો ચરાવી રહેલી ૧૯ વર્ષીય છોકરીની આબરૂ લેવાની કોશીશ કરતા, છોકરી તેઓના તાબે ન થતા ત્રણે નરાધમોએ છોકરીના કપડા ફાડી નાખી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી નાસી ગયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીલર ગામના હોળી ફળીયામાં રહેતી ૧૯ વર્ષીય છોકરી તેની ગામની બહેનપણીઓ સાથે ગતરોજ સાંજે ગામના તળાવ પાસે ભેંસો ચરાવતી હતી. તે વખતે કતવારા ગામના વાડી ફળીયાના જેન્તીભાઈ તેજીયાભાઈ હઠીલા, રાહુલભાઈ રામચંદ હઠીલા તથા લીલર ગામના ડામરા ફળીયાના અજયભાઈ ઝીંથરાભાઈ ખરાડ મોટર સાયકલ પર બેસીને ગામના તળાવે આવ્યા હતા. અને ભેંસો ચરાવી રહેલી ૧૯ વર્ષીય છોકરીને પકડી તેની ઈજ્જત લેવાની કોશીશ કરતા છોકરીએ સજ્જડ પ્રતિકાર કરી ત્રણેને કોઈ મચક ન આપતા ઉશ્કેરાયેલા ત્રણે જણાએ તે છોકરીએ પહેરેલ ટોપ ફાડી નાખ્યો હતો અને તે છોકરીને ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી નાસી ગયા હતા.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ લીલર ગામની છોકરીએ કતવારા ગામના જેન્તીભાઈ તેજીયાભાઈ હઠીલા, રાહુલભાઈ રામચંદભાઈ હઠીલા, તથા લીલર ગામના ડામરા ફળીયામાં રહેતા અજયભાઈ ઝીંથરાભાઈ ખરાડ વિરૂધ્ધ કતવારા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપીકો કલમ ૩પ૪, ૩ર૩, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.