કોરોનાથી બચવા માસ્ક – સામાજિક અંતર જેવી પાયાની વાતોનું અનિવાર્યપણે પાલન કરવાની અપીલ કરતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી
દાહોદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. આર.ડી. પહાડીયાએ કોરોના સામે બચાવ માટે માસ્ક, વારંવાર હાથ ધોવા અને સામાજિક અંતર જાળવવા જેવી પાયાની વાતોનું ચુસ્ત પાલન કરવું ખૂબ જરૂરી હોવાનું જણાવ્યું છે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે તહેવારો બાદ કોરોના સંક્રમણ વધ્યું હોય આ પાયાની વાતોનું પાલન કરીને કોરોના મહામારીથી બચી શકાય છે.
તેમણે જણાવ્યું કે, કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે ત્યારે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું છે. આ સમયે જાહેર પરીવહનના સાધનોનો ઉપયોગ કરીને મુસાફરી કરવી પણ જોખમી હોય મુસાફરી કરવાની પણ બને તેટલી ટાળવી જોઇએ. આ સમયે વડીલોની ખાસ કાળજી રાખવી જરૂરી છે. તેમને હોમ આઇસોલેશનમાં રાખી શકાય તો વધુ સારૂ છે. જેથી કરીને તેમને કોરોના સંક્રમણથી બચાવી શકાય.
આ સમયે એ ખૂબ મહત્વનું છે કે વ્યક્તિને શરદી-ઉધરસ-તાવ જેવા કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય તો તુરત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાનો ટેસ્ટ કરાવી લે. કોરોના સામે ટેસ્ટ ઇઝ બેસ્ટ. જેટલી વહેલી તકે આ બિમારીને જાણી શકાશે એટલી જ જલદી ઇલાજ પણ થઇ શકશે અને અન્ય લોકોને ચેપ લાગતા પણ રોકી શકાશે.
#Sindhuuday Dahod