દાહોદના ગરબાડા ચોકડી ખાતે આવેલ ત્રણ દુકાનોના તાળા તુટ્યા
દાહોદ તા.૨૭
દાહોદ તાલુકાના ગરબાડા ચોકડી ખાતે આવેલ ત્રણ દુકાનોને તાળા તુટતાં વિસ્તારમાં તસ્કરોના આ આતંકને પગલે ભારે ફફડાટ સાથે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. દાહોદ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક વધતાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે ત્યારે બીજી તરફ આ ગરબાડા ચોકડીની ત્રણ દુકાનોના તાળા તુટ્યાની ખબરો સાથે જ દોડી આવેલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદના ગરબાડા ચોકડી નજીક આવેલ બાલાજી હોટલની સામે ઓટો ગેરેજની ત્રણ દુકાનોના ગત રાત્રીના સમયે એક સાથે તાળા તુટતા આ દુકાનોમાંથી તસ્કરોએ ઓટો પાર્ટસ, પાના પક્કડ અને દુકાનની બહાર મુકી રાખેલ ઓક્સિજનની ગેસની બોટલ ચોરીને લઈ ગયા હતા. સવારે દુકાનના માલિકો દુકાન તરફ આવ્યા હતા અને પોતાની દુકાનના તાળા તુટ્યા હોવાનો નજારો જાેતા વેંત તેઓના હોશ ઉડી ગયા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. છેલ્લા ઘણા સમયથી દાહોદ તાલુકામાં તસ્કરોનો આતંક વધવા માંડ્યો છે અને દિવાળી બાદ તો જાણે તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. અગાઉ આજ ગરબાડા ચોકડીની આગળ આવેલ નેશનલ ઈન્દૌર હાઈવે રોડ ખાતે આવેલ વૃંદાવન સોસાયટીમાં પણ બે – ત્રણ દિવસ પહેલા ૧૫ થી ૨૦ તસ્કરોના મોડી રાત્રીના આગમન સાથે જ એક બંધ મકાનનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આસપાસના રહીશોની સતર્કતાના કારણે સ્થાનીકો જાગી જતાં અને બુમાબુમ કરી મુકતાં તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને મોડી રાત્રીના સમયે આ વૃંદાવન સોસાયટીમાં પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા.

