દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક ઠગ દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચે ત્રણ લોકો પાસેથી કુલ રૂા.૨ લાખ લઈ ફરાર
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં એક ભેજાબાજે સરકારી નોકરી અપાવવાની લાલચે ચાર જેટલા વ્યક્તિઓ પાસેથી રૂા.૪૦,૦૦૦ લેખે કુલ રૂા.૨,૦૦,૦૦૦ લાખ પડાવી લઈ સરકારી નોકરી ન મળતાં આપેલા પૈસાની ઉઘરાણી કરતાં આ ઠગે પૈસા પરત ન કરતાં અને પોતે ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થતાં લીમખેડા પોલીસ મથકે આ ઠગ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આ ઠગની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ જિલ્લામાં અવાર નવાર ઠગાઈ, વિશ્વાસઘાત તેમજ સરકારી નોકરી અપાવવાના બહાને તેમજ લોન અપાવવાની લાલચે કેટલાક ભેજાબાજાે દ્વારા દાહોદ જિલ્લાની અબોધ, ગ્રામીણ અને ભોળીભાળી પ્રજાને વિશ્વાસમાં લઈ લાખ્ખો, કરોડો રૂપીયાની ઠગાઈ કરી આવા સખ્સો ફરાર થઈ ગયા હોવાના બનાવો ભુતકાળમાં પણ અનેક પ્રકાશમાં આવ્યા છે. દાહોદ જિલ્લા જેવા નાનકડા અને આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં જાણે આવી ઠગ ટોળીઓ સક્રિય બની હોય તેમ હવે પ્રતિત થઈ રહ્યું છે.
આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લામાં ફરી પ્રકાશમાં આવ્યો છે જેમાં લીમખેડા તાલુકાના બાંડીબાર ગામે નીશાળ ફળિયામાં રહેતા અને ખાનગી નોકરી કરતી ૨૭ વર્ષીય સંધ્યાબેન પ્રદિપભાઈ ધિંગા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કારઠ ગામે રહેતા રોયલભાઈ ર્કિતનસિંહ લબાના દ્વારા તા.૨૦મી ઓક્ટોબર થી આજદિન સુધી અલગ અલગ જગ્યાએથી કુલ ચાર વ્યક્તિઓ પાસેથી અને સંધ્યાબેન પાસેથી પણ આ રોયલભાઈ દ્વારા જણાવવામાં આવેલ કે, મારો એક સારો મિત્ર છે, જેઓ સરકારી નોકરી અપાવે છે, તો તમારે કોઈને સરકારી નોકરી જાેઈતી હોય તો, રૂપીયા ૪૦,૦૦૦માં સરકારી નોકરી મળી જશે. તેમ કહી સંધ્યાબેન તથા બીજા ત્રણ જેટલા વ્યક્તિઓને આ રોયલભાઈએ પટાવી, ફોસલાવી સરકારી નોકરીની લાલચ આપી તેઓની પાસેથી કુલ રૂા.૨ લાખ રૂપીયા ઉઘરાવી લીધા હતા. આ બાદ સમય વિતતો ગયો અને સરકારી નોકરી તો ન મળી પરંતુ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં તમામે આપેલ તમામ નાણાં પરત કરવાની રોયલભાઈ પાસે માંગણી કરી હતી પરંતુ એનકેન પ્રકારે તેઓની વાતને ટાળી અને પૈસા પરત આપવાની દાનત ન રાખતાં આખરે સંધ્યાબેન દ્વારા આ સંબંધે લીમખેડા પોલીસ મથકે રોયલભાઈ લબાના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Sindhuuday Dahod