ધાનપુર અને લીમખેડામાં માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ધાનપુર અને લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક મહિલા સહિત બેના એકાળે મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યારે આ બે અકસ્માતમાં વધુ ૩ જેટલા વ્યક્તિઓને શરીરે ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુર તાલુકાના ડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩ ડિસેમ્બરના રોજ એક એસ.ટી.બસના ચાલકે પોતાના કબજાની એસ.ટી.બસ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે નિશાળ ફળિયામાં રહેતા શનાભાઈ રમસુભાઈ ભાભોરની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં શનાભાઈ તથા પાછળ બેઠેલ માજુભાઈ મનુભાઈ ભાભોર બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા અને જેને પગલે શનાભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતુ જ્યારે પાછળ બેઠેલ માજુભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ સંબંધે મોટીમલુ ગામે નિશાળ ફળિયામાં રહેતા સુમાભાઈ સમસુભાઈ ભાભોર દ્વારા આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩મી ડિસેમ્બરના રોજ એક અજાણ્યા મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સીંગવડ તાલુકામાં પહાડ ગામે નિશાળ ફળિયામાં રહેતા રાકેશભાઈ ભારતાભાઈ બારીયાની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં રાકેશભાઈ અને પાછળ બેઠેલ મણીબેન રમેશભાઈ તડવી બંન્ને મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયા હતા અને જેને પગલે મણીબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં અને રાકેશભાઈને પણ ઈજાઓ થતાં બંન્ને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં સારવાર દરમ્યાન મણીબેનનું મોત નીપજ્યું હતુ. આ સંબંધે ઈજાગ્રસ્ત રાકેશભાઈ ભારતાભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે આ સંબંધે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
#Sindhuuyda Dahod

