દાહોદ જિલ્લાના ચાર શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું
દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરવા બદલ ચાર શખ્સો સામે જિલ્લા વહીવટી તંત્રએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ચાર પૈકી ત્રણને પકડી કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યા છે. દાહોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન ઓફ એન્ટિ સોશ્યલ એક્ટિવિટી હેઠળ કરવામાં આવેલી દરખાસ્તને જિલ્લા દંડાધિકારી શ્રી વિજય ખરાડીએ ધ્યાને લઇ આ આદેશ કર્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ તંત્રને કેટલાક શખ્સો સામે પાસાની કરવાની સૂચના જારી કરી હતી. જેના આધારે દારૂ વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા સિંગવડ તાલુકાના મેથાણ ગામના ભારતભાઇ સુરસિંગભાઇ ઝાલૈયા, રળિયાતના પપ્પુભાઇ માંગીલાલ સાંસી અને લીમખેડા તાલુકાના પટવણના ગોરધનભાઇ સુરપાલભાઇ પરમાર તથા જુગાર રમાડવા બદલ લીમખેડાના સંતોષભાઇ રસિકલાલ સોનીની સામે પાસા વોરંટ ઇસ્યુ કરવા દરખાસ્ત કરી હતી.
પોલીસ તંત્ર દ્વારા કરાયેલી દરખાસ્તને આધારે જિલ્લા દંડાધિકારી શ્રી વિજય ખરાડીએ આ ચારેય શખ્સો સામે પાસાના વોરંટ ઇસ્યુ કર્યા હતા. જે પૈકી ભારતભાઇ, સંતોષભાઇ, પપ્પુભાઇને પોલીસે પકડીને જુદી જુદી જેલમાં મોકલી આપ્યા છે. બાકી રહેલા ગોરધનભાઇને પકડવા પોલીસ તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે.
#Sindhuuyda Dahod