ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શનિરવિ દાહોદની મુલાકાતે : ૨૨ વર્ષ બાદ દાહોદ પોલીસ તંત્રને રૂ. ૬૦ કરોડના ભૌતિક સુવિધાના વિકાસ કામોની ભેટ મળશે

ટાઉન પોલીસ સ્ટેશન અને સબ જેલનું લોકાર્પણ, દાહોદ, લીમખેડા અને દેવગઢ બારિયામાં સ્ટાફ ક્વાર્ટરનું ભૂમિપૂજન
દિનરાત જોયા વિના જનસુરક્ષાનું કામ કરતા દાહોદ પોલીસ તંત્રને ૨૨ વર્ષ બાદ એક સાથે રૂ. ૬૦ કરોડના ભૌતિક સુવિધાના વિકાસ કામો મળવા જઇ રહ્યા છે. આ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શનિવાર અને રવિવાર, એમ બે દિવસ દાહોદના રહેવાના છે. પોલીસ તંત્ર દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ૯૦ના દાયકામાં પોલીસ મુખ્ય મથક સહિતના કામોનું લોકાર્પણ થયા બાદ હવે આટલા કામોની ભેટ મળવાથી દાહોદ પોલીસ માટે ઐતિહાસિક દિન છે.
વિકાસ કામોની વિગતો જોઇએ દાહોદના સીમાડે ઝાલોદ રોડ ઉપર રૂ. ૨૦.૨૫ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલી સબ જેલ અને દાહોદ નગરમાં સરસ્વતી સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવનિર્મિત આવેલા ટાઉન પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રી શ્રી જાડેજાના હસ્તે લોકાર્પણ થશે.
આ ઉપરાંત, દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક રૂ. ૩૦૫૮.૧૩ લાખ, લીમખેડામાં રૂ. ૫૮૩.૨૮ અને દેવગઢ બારિયામાં રૂ. ૩૩૪.૬૯ લાખ ખર્ચની નિર્માણ પામનારા સ્ટાફ ક્વાર્ટર તથા ઝાલોદમાં રૂ. ૧૦૦.૪૧ લાખના ખર્ચથી બનનારી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ભૂમિપૂજન ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે થશે.
કાર્યક્રમની સમીક્ષા કરવા માટે ગોધરા રેંજના ડીઆઇજી શ્રી એમ. એસ. ભરાડાએ સ્થળોની મુલાકાત લીધી હતી અને બાદમાં એસ. પી. શ્રી હિતેશ જોયસર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉપયોગી સૂચનો કર્યા હતા. આ વેળાએ એએસપી સુશ્રી શેફાલી બરવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!