ગુજરાત પોલીસના ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા : દાહોદ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને દાહોદ રૂરલ પોલીસના સ્ટાફ ક્વાર્ટરનું ભૂમિપૂજન કરતા ગૃહરાજ્ય મંત્રીશ્રી

દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે રૂ. ૩૦૫૮.૧૩ લાખના ખર્ચથી બનનારા સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું કે, ટેક્નોલોજીના સમન્વયથી પોલીસ ગુનાખોરીને ડામવા માટે આગેકદમ કરી રહી છે. આગામી દિવસોમાં પૂરવાનું સક્ષમ દસ્તાવેજીકરણ કરવા ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવશે. વિદેશમાં જે રીતે પોલીસ પોતાના ગણવેશ ઉપર નાના કેમેરા પહેરીને કામ કરે છે, એ રીતે નજીકના ભવિષ્યમાં ગુજરાત પોલીસ પણ કામ કરતી થશે.
અહીંના સ્વામિ વિવેકાનંદ સભાગૃહમાં યોજાયેલી એક નાની સભામાં શ્રી જાડેજાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિની માહિતી આપતા કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોલીસ તંત્રના આધુનિકીકરણ માટે ત્રિસ્તરીય નીતિ અપનાવી હતી. તેમણે ગુનામાં મળેલા પૂરાવાનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ થાય તે માટે ફોરેન્સિક લેબને મજબૂત બનાવી અને ગુજરાતમાં શ્રેષ્ઠતમ ફોરેન્સીક લેબ બનાવી.
એ જ રીતે પોલીસ તંત્રની કુશળ માનવ સંસધાન મળી રહે તે માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. એ જ રીતે ગુનેગારોનું કન્વિક્શન થાય એ માટે સારા કાયદા નિષ્ણાંતો મળી રહે તે હેતુંથી લો યુનિવર્સિટી પણ બનાવી છે.
ભૂતકાળનો ચિતાર આપતા શ્રી જાડેજાએ ઉમેર્યું કે, કેટલાક દાયકાઓ પૂર્વે પોલીસ તંત્ર પાસે કેવી ભૌતિક સુવિધા હતી, તેનો આપણને સૌને ખ્યાલ જ છે. પોલીસ સ્ટેશનની ઇમારતો નળિયા કે પતરાવાળી હતી. અરજદારોને બેસાડવાની જગ્યા પોલીસ સ્ટેશનમાં નહોતી. તેની સામે હવે પોલીસ તંત્રને વધુમાં વધુ સુવિધા આપવામાં આવી રહી છે. પહેલા પોલીસ કોન્સ્ટેબલને માત્ર એક રૂમ અને રસોડાની સુવિધાવાળું આવાસ મળતું હતું. તેની સામે હવે બે રૂમ અને રસોડાવાળા આવાસ રહેવા માટે આપવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના પોલીસ દળમાં પચાસ હજાર લોક રક્ષક જવાનોની ભરતી કરવામાં આવી છે, તેમ કહેતા શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે પોલીસને માનવ સંસાધન પૂરૂ પાડવા સાથે આધુનિક પણ બનાવવામાં આવી છે. ઇ-ગુજકોપ જેવી એપ્લિકેશનથી ગુનેગારો વિશે તુરંત માહિતી મેળવવામાં સરળતા થઇ છે. પોલીસને મોબાઇલ થકી પોકેટ કોપની સુવિધા આપવામાં આવી છે. ગુજરાત પોલીસ માત્ર સ્માર્ટ જ નહીં, પણ શાર્પ બને એવું અમારૂ ધ્યેય છે.
ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા બરકરાર રહે તે માટે આધુનિકકરણની દિશામાં એક કદમ આગળ વધતા રૂ. ૩૨૯ કરોડના ખર્ચથી રાજ્યના ૩૩ જિલ્લા ૬ યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વના સ્થળોને સાત હજાર સીસીટીવી કેમેરાના નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કોઇ પણ વ્યક્તિ ગુનો આચરતા પૂર્વે વિચાર કરે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે.
શ્રી જાડેજાએ જણાવ્યું કે બદલાતા સંજોગો સાથે કાયદાની અસરકારક્તા વધે એટલા માટે તેમાં આવશ્યક સુધારા પણ કર્યા છે. પાસાના કાયદાને વધુ મજબૂત કરવામાં આવ્યો છે. તેમાં જુગાર, છેડતી, ચેઇન સ્નેચિંગ અને સાયબર ક્રાઇમના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. ગુંડા ગુજરાત છોડે, એ કાર્યમંત્ર સાથે ગુંડા નાબૂદી ધારો લાવવામાં આવ્યો છે.
ગરીબોની જમીન પડાવી લેતા ભૂમાફિયાઓને સંકજામાં લેવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાનૂન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ભૂમાફિયાઓ સામે નિયત સમય મર્યાદામાં તપાસ કરી ખાસ અદાલતમાં કેસ ચલાવવાની અને ૧૦થી ૧૪ વર્ષની જોગવાઇ કરવામાં આવી હોવાનું પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.
કોરોનાકાળમાં પોલીસ તંત્રની સંવેદનશીલ છબી ઉભરી હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, લોકડાઉનમાં નાગરિકો કોરોનાના સંક્રમણની બચે એ માટે પોલીસે પોતાના પરિવારની પરવાહ કર્યા વિના દિનરાત ડ્યુટી બજાવી છે. કોઇ ગરીબ ભૂખ્યુ ના સુવે એની ખેવના નાનામાં નાના પોલીસ કર્મચારીએ કરી છે. આ પ્રકારની સંપૂર્ણ સમર્પણભાવ સાથેની ફરજનિષ્ઠા અભિનંદનને પાત્ર છે. દાહોદ પોલીસ તંત્રના ૬ કોરોના વોરિયર્સનું તેમણે પ્રમાણપત્ર આપી સન્માન પણ કર્યું હતું.
રાજ્ય મંત્રીશ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, વિશેષ ભૌગોલિક સ્થિતિ ધરાવતા દાહોદ જિલ્લામાં પોલીસ તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે. કોરોનાકાળમાં શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા હોય કે રહેવાની, ઘરે પહોંચાડવા સુદ્ધાની વ્યવસ્થામાં પોલીસ તંત્રએ સારી રીતે કાર્ય કર્યું છે. દાહોદ જિલ્લામાં ભૂતકાળમાં ક્યારે ન મળી હોય એટલી રકમના કામો બે દિવસમાં મળી રહ્યા છે. જે ઐતિહાસિક બાબત છે. તેમ કહી તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કહ્યું કે, ટેક્નોલોજીના સમન્વયથી પોલીસ તંત્ર વધુ કાર્યક્ષમ બન્યું છે. સારી સુવિધા મળતા પોલીસ તંત્ર દૃઢ મનોબળ સાથે કામ કરી શકે છે. આ માટે ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા તરફથી સતત પ્રેરણા મળતી રહે છે. આભારવિધિ એએસપી સુશ્રી શેફાલી બરવાલે કરી હતી.
આ અવસરે ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા, શ્રી વજેસિંહભાઇ પણદા, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી અભિષેકભાઇ મેડા, શ્રી મનોજભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuyda Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!