દે.બારીયા તાલુકાના અંતેલા ગામે સરકારી પડતર જમીનમાં મકાન બાંધવા માટે જેસીબીથી પાયો ખોદાવવાના મામલે
દાહોદ, તા.૧૯
દે.બારીયા તાલુકાના અંતેલા ગામે સરકારી પડતર જમીનમાં મકાન બાંધવા માટે જેસીબીથી પાયો ખોદાવવાના મામલે ગામના બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાતા સામસામે પથ્થરમારો થતા બંને પક્ષના મળી એક મહિલા સહિત દશ જણાને ઈજાઓ થયાનું જાણવા મળેલ છે.
અંતેલા ગામના હાટ ફળીયામાં રહેતા કાળુભાઈ સોમાભાઈ રાવતે સરકારી પડતર ખરાબાવાળી જમીનમાં મકાનનો પાયો ખોદવા માટે જેસીબી મંગાવ્યું હતુ. જેથી તેને પાયો ખોદવવાની ના પાડવા માટે તેમના ફળીયાના જશવંતભાઈ હમીરભાઈ પટેલ તથા તેના પિતા ગયા હતા. તે વખતે કાળુભાઈ સોમાભાઈ રાવત, બાબુભાઈ સોમાભાઈ રાવત, ગુલાબભાઈ મુળાભાઈ રાવત, રમેશભાઈ રતનાભાઈ રાવત, ભારતભાઈ રતનાભાઈ રાવત, સુભાષભાઈ કોલાભાઈ રાવત તથા હિમસીંગભાઈ ભાવસીંગભાઈ રાવતે ભેગા મળી એક સંપ કરી ગેરકાયદે મંડળી બનાવી આ જમીન અમારી છે તમને પણ અહીંથી જવા પણ નહી દઈએ તેમ કહી પથ્થરમારો કરતા હમીરભાઈ પ્રતાપભાઈ પટેલ, મંગાભાઈ પ્રતાપભાઈ પટેલ, બળવંતભાઈ રામસીંગભાઈ, રામસીંગભાઈ પ્રતાપભાઈ પટેલ તથા નરવતભાઈ કમાભાઈ પટેલને ઈજાઓ કરી બેફામ ગાળો બોલી તમોને જીવતા નહી રહેવા દઈએ કહી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
જશવંતભાઈ હમીરભાઈ પટેલે નોંધાયેલ ફરીયાદના આધારે દે.બારીયા પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષના અંતેલા ગામના હાટ ફળીયામાં રહેતા કાળુભાઈ સોમાભાઈ રાવતે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ કાળુભાઈ સોમાભાઈ રાવતને સર્વે નંબર ર૧૩ વાળી સરકારી પડતર ખરાબાવાળી જમીનમાં મકાનનો પાયો જેસીબીથી ખોદવાની તૈયારી કરતી વખતે તેમના ફળીયાના પટેલ કુટુંબના હમીરભાઈ પ્રતાપભાઈ, મંગાભાઈ પ્રતાપભાઈ, ગમાભાઈ પ્રતાપભાઈ, જશવંતભાઈ હમીરભાઈ, હીરાભાઈ મંગાભાઈ, અમરસીંગ મંગાભાઈ, અમેસીંગ મંગાભાઈ, બાબુભાઈ ગમાભાઈ બવંતભાઈ રામસીંગભાઈ તથા લક્ષ્મણભાઈ ગમાભાઈ એ અટકાવી આ જમીન અમારી છે, આમા તમારો કોઈ ભાગ નથી, અહીંથી જતા રહો, નહી તો તમને મારી નાખીશું તેમ કહી બેફામ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી પથ્થરમારો કરી રાવત કુટુંબના રતનસીંહ નાનાભાઈ, કીર્તનભાઈ રમેશભાઈ, ગુલીબેન મુળાભાઈ, ભરતભાઈ રતનસીંહ તથા ગુલાબસિંહ મુળાભાઈને ઈજાઓ પહોંચાડી હતી. આ સંદર્ભે દે.બારીયા પોલીસે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

