૩૧ ડિસેમ્બરને ધ્યાને લઇ માર્ગદર્શિકા જાહેર કરતું જિલ્લા વહીવટી તંત્ર : અંગ્રેજી નવા વર્ષની ઉજવણી જાહેરમાં કરવા ઉપર પ્રતિંબધ, જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિ ભેગા નહીં થઇ શકે : લોકોની ભીડ એકઠી થવાની શક્યતા ધરાવતા જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે
આગામી અંગ્રેજી નવા વર્ષની ઉજવણી સંદર્ભે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે જાહેર કરવામાં આ માર્ગદર્શિકા મુજબ ૩૧ ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા હાલમાં પણ અમલમાં છે. કોરોનાનો ખતરો હજુ ઓછો થયો નથી. તહેવારોની જાહેરમાં ઉજવણીથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતા પ્રબળ બને છે. તે બાબતે ધ્યાને રાખીને નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ ગાઇડલાઇન્સ મુજબ જાહેર સ્થળોએ ચારથી વધુ વ્યક્તિ ભેગા થઇ શકશે નહીં કે સભા કરી શકશે નહીં. આ ઉપરાંત રેલી કે સરઘસ કાઢી શકશે નહીં. મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય કે તેની શક્યતા હોય એવા સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
દાહોદ નગરમાં આવા કેટલાક સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમાં સ્ટેશન રોડ, રેલવે ઓવર બ્રિજ, નગરપાલિકા ચોક, ઝાલોદ બાયપાસ સહિતના સ્થળોએ પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
કલેક્ટર શ્રી ખરાડીએ નાગરિકોને આ ઉજવણી ઘરે જ રહીને કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આપણા ધ્યાને આવ્યું છે કે, તહેવારોની બેજવાબદારી પૂર્વક ઉજવણી કરવાના કારણે કે કોરોના વાયરસના સંક્રમણમાં વધારો થતો રહ્યો છે. હવે, અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કોઇ પણ બિનજરૂરી ઉન્માદ વિના ઘરે રહીને કરીએ એ આવશ્યક છે.