સાંસદ આદર્શ ગામ ડોકી ડુંગરામાં ગ્રામ સભા સંપન્ન : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં આદર્શ ગામ એવા ડોકી ડુંગરા ખાતે ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં રૂ. ૫૨.૮૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂ. ૩.૪૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગ્રામ સભાને સંબોધન કરતા સાંસદ શ્રી ભાભોરે જણાવ્યું કે, ગરીબોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં કોરોના મહામારીમાં સરકાર દ્વારા ગરીબોને ૧૩૯ કરોડનું અનાજ સાવ વિનામૂલ્યે આપવામાં આવ્યું છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે રાજ્ય સરકારે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આણ્યો છે. અત્યાર સુધી કૃષિ વીજ જોડાણોમાં રાત્રે વીજળી આપવામાં આવતી હતી. પણ, હવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી ખેડૂતોને દિવસે વીજળી આપવાનો પ્રારંભ કર્યો છે. જેમાં પ્રથમ પસંદગી દાહોદ જિલ્લાની થઇ છે.
શ્રી ભાભોરે ગ્રામજનોને વ્યસનથી મુક્ત રહેવા અને બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા માટે શીખ આપી હતી.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કહ્યું કે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિવિધ યોજનાનું ગામમાં સઘનથી અમલીકરણ તો થાય છે. પણ, સાથે તેમાં ગ્રામજનોના સહયોગથી પણ જરૂરત હોય છે. સરકારની કોઇ પણ કામગીરી લોકસહયોગ વિના શક્ય નથી.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગામડામાં વિકાસની ખૂટતી કડીઓ જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. ગામમાં મુખ્યત્વે બે પ્રશ્નો હોય છે એક વ્યક્તિગત પ્રશ્નો અને બીજા સામુહિક પ્રશ્નો ! સામુહિક પ્રશ્નોના નિકાલ માટે યોજનાઓ બનાવી તેનું અમલીકરણ કરવામાં આવે છે. વ્યક્તિગત પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા ડિઝીટલ સેવા સેતુ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. જેમાં સરકારની વિવિધ સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે.
ધારાસભ્ય શ્રી વજુભાઇ પણદાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જિલ્લા આયોજન અધિકારી શ્રી કિરણ ગેલાતે સ્વાગત પ્રવચનમાં સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપી હતી.
રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને તેને મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ પણ નોંધવું જોઇએ કે ડોકી ડુંગરા ગામમાં છેલ્લા એક જ વર્ષમાં રૂ. ચાર કરોડથી પણ વધુના વિકાસ કામો કરવામાં આવ્યા છે.
આ વેળાએ ગામના સરપંચ શ્રીમતી કમુદીબેન, જિલ્લા અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્યો, નિયામક શ્રી સી. બી. બલાત, પ્રાંત અધિકાર શ્રી એમ. એમ. ગણાસવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નયના પાટડિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુથાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod







