વડાપ્રધાન મોદી આજે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ શરૂ કરાવશે : સર્વે સંતુ નિરામયાઃ કોરોના વાયરસ પર વાર : વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થશે, પ્રથમ દિવસે ૩,૦૦,૬૦૦ લોકોને રસી અપાશે, ૧.૬૫ કરોડનો ડોઝ દેશભરના ૩૦૦૬ કેન્દ્રો પર પહોંચી ગયો : તમામ રાજ્યોનાં ૩૦૦૦થી વધુ કેન્દ્રોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરાશે, રસીકરણને લગતા કોઈપણ પ્રશ્નના સમાધાન માટે ૧૦૭૫ હેલ્પલાઈન શરૂ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૫
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ૧૬ જાન્યુઆરીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોવિડ-૧૯ સામેના રસીકરણને શરૂ કરાવશે અને દેશના બધા રાજ્ય તેમ જ કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્વદેશી બનાવટની બે રસી આપવાનું શરૂ થશે.
વડા પ્રધાનની ઑફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘જન ભાગીદારી’ની સાથે કોરોના સામેનો રસીકરણનો વિશ્ર્‌વનો સૌથી મોટો કાર્યક્રમ ૧૬ જાન્યુઆરીએ શરૂ કરવા માટે બધી પૂર્વતૈયારી થઇ ગઇ છે.
વડા પ્રધાન દેશભરમાં ૧૬ જાન્યુઆરીએ સવારે ૧૦.૩૦ વાગ્યે રસીકરણનો આ કાર્યક્રમ વીડિયો કૉન્ફરન્સિંગથી શરૂ કરાવશે.
૧૬ જાન્યુઆરીએ દેશમાં કોવિડ-૧૯ વિરુદ્ધ રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે ૨,૯૩૪ કેન્દ્રો પર લગભગ ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. ૫૦૦૦ થી વધુ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે. દરેક રસીકરણ સત્રમાં વધુમાં વધુ ૧૦૦ લાભાર્થીઓ રહેશે. તેમના આરોગ્ય કર્મચારીઓના આંકડા અનુસાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન રસીના ૧.૬૫ કરોડ ડોઝ ફાળવવામાં આવ્યા છે. રસીકરણને લગતા પ્રશ્નોનાં નિકાલ માટે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન ૧૦૭૫ શરૂ કરી દેવાઈ છે.
પ્રથમ દિવસે રસી લેનારા ડૉક્ટરો સહિતના આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓની સાથે વડા પ્રધાન મોદી વીડિયો લિંકથી વાતચીત કરે એવી શક્યતા છે. નવી દિલ્હીની ‘એઇમ્સ’ અને સફદરજંગ હૉસ્પિટલે રસીકરણ માટે પોતાના દ્વારા બધી તૈયારી પૂરી કરાઇ હોવાના દાવો કરાયો હતો.
વડા પ્રધાનની ઑફિસે જણાવ્યું હતું કે સરકાર અને ખાનગી ક્ષેત્રના હૅલ્થકૅર વર્કર્સને રસીકરણમાં પ્રાધાન્ય અપાશે. ઇન્ટિગ્રૅટૅડ ચાઇલ્ડ ડૅવલપમૅન્ટ સર્વિસીસના વર્કર્સને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
અગાઉ, ડ્રગ્સ ક્ધટ્રૉલર જનરલ ઑફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડ કોવિડ-૧૯ રસીને અને ભારત બાયૉટેક દ્વારા તૈયાર કરાયેલી કૉવેક્સિનને મંજૂરી આપી હતી.
દેશભરમાં આ બન્ને રસીના પૂરતા ડૉઝ મુલકી ઉડ્ડયન મંત્રાલયના સહકારથી પહોંચાડાયા હોવાનો દાવો કરાયો હતો. કોવિડ-૧૯ના રોગચાળા અને તેના રસીકરણને લગતી માહિતી દિવસમાં ૨૪ કલાક મેળવવા માટે કૉલ સૅન્ટરનો ૧૦૭૫ ક્રમાંક ઉપર સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત, રસીકરણ માટે કૉ-વિન નામનું સૉફ્ટવેર પર તૈયાર કરાયું છે.

#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: