સારસી ગામે હાઈવે રોડ ખાતે હિટ એન્ડ રન કેસમાં આજે વહેલી સવારે એક અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ જાશભેર ટક્કર
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકાના મોટી સારસી ગામે હાઈવે રોડ ખાતે હિટ એન્ડ રન કેસમાં આજે વહેલી સવારે એક અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ જાશભેર ટક્કર માર ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ત્રણેય યુવકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ તાલુકાના ગડોઈ ગામે અને દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતા હિસ્સુભાઈ,વિપુલભાઈ દિપકભાઈ સંગાડીયા અને અજય ગુમાલા સંગાડીયા એમ ત્રણેય જણા પોતાની માસીના ઘરેથી પરત પોતાના ઘરે એક મોટરસાઈકલ પર સવાર થઈ આજરોજ વહેલી સવારના સાડા સાત વાગ્યાની આસપાસ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં દાહોદ તાલુકાના મોટી સારસી ગામે હાઈવે રસ્તા પર એક અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત મોટરસાઈકલ પર સવાર ત્રણેય યુવકોને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતા જાતજાતામાં ત્રણેય યુવકો મોટરસાઈકલ સાથે હાઈવે રસ્તા પર ફંગોળાયા હતા અને ત્રણેયને શરીરે,હાથે,પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની જાણ સ્થાનીકોને થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને ત્રણેય યુવકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપાયા હતા. સમાચાર લખાય છે ત્યા સુધી ફરિયાદ નોંધાવા પામી નથી પરંતુ પોલીસે કાર્યવાહી તપાસ કરી કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે.