રસ્તા વચ્ચે કુતરૂ આવી જતા મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા એકનું મોત ઃ એકને ઈજા
દાહોદ, તા.૬
ગતરોજ સવારે દે.બારીયા તાલુકાના પીપલોદ ગામના બજારમાં રોડ પર અચાનક કુતરૂ આવી જતા પુરપાટ દોડી આવતી મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પર પાછળ બેઠેલ ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તથા મોટર સાયકલ ચાલકને પણ ઈજાઓ થયાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના સાલીયા ગામના પટેલ ફળીયામાં રહેતા ચંદ્રસીંગ બલુભાઈ પટેલ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના સુમારે તેના કબ્જાની જીજે ર૦ એ આર ૦૩૧૮ નંબરની મોટર સાયકલ પર તેમના ગામના બળવંતભાઈ પારસીંગભાઈ પટેલને પાછળ બેસાડી પીપલોદ ગામના બજારમાં રોડ પર પુરપાટ જઈ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તા વચ્ચે અચાનક કુતરૂ આવી જતા મોટર સાયકલને સખત બ્રેક મારતા મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા મોટર સાયકલ પર સવાર ચંદ્રસીંગ બલુભાઈ પટેલ મોટર સાયકલ સાથે રોડ પર ધસડાતા બળવંતભાઈ પારસીંગભાઈ પટેલને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જ્યારે ચંદ્રસીંગ બલુભાઈ પટેલને શરીરે ઈજાઓ થવા પામી હતી. જેથી તેને સારવાર અર્થે પીપલોદ સરકારી દવાખાને લઈ ખસેડવામાં આવ્યો હતો.
આ સંબંધે સાલીયા ગામના પટેલ ફળીયામાં રહેતા મુળાભાઈ ગમજીભાઈ પટેલે નોંધાવેલ ફરીયાદને આધારે દે.બારીયા પોલીસે મોટર સાયકલ ચાલક ચંદ્રસીંગ બલુભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.