દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓનું અપહરણ

દાહોદ તા.૦૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને સંજેલી તાલુકામાં બે જુદી જુદી જગ્યાએથી પત્નિ તરીકે રાખવાના ઈરાદે બે સગીરાઓનું યુવકો દ્વારા પોતાના મિત્રો તેમજ પરિવારજનોની મદદથી અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બનવા પામ્યો હતો જેમાં દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને ગત તા.૦૮મી જુનના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ગુણા મુવાડી ગામે રહેતો રાજેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ ચૌહાણે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી, પટાવી ફોસલાવી પીપલોદ ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સગીરાના અપહરણનો બીજાે બનાવ સંજેલી તાલુકાના ચંદાણાના મુવાડા ગામે ગત તા.૨૩મી સપ્ટેમ્બરના રોજ બનવા પામ્યો હતો જેમાં સંજેલી તાલુકાના માંડલી ગામે નિસરતા ફળિયામાં રહેતો કનુભાઈ રમેશભાઈ નિસરતાએ સંજેલી તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ તેણીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પોતાના મિત્ર તથા પરિવારજનો ગોરધનભાઈ ફતાભાઈ નિસરતા, શંકરભાઈ ફતાભાઈ નિસરતા, હરીશચંદ્ર ગોરધનભાઈ નિસરતા અને કીરીટભાઈ ગોરધનભાઈ નિસરતાની મદદ લઈ સગીરાનું અપહરણ કરી લઈ નાસી જતં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: