મોંઘવારીનો મારઃ પેટ્રોલના ભાવ એક વર્ષમાં ૧૮ રૂપિયાનો અધધ..વધારો


(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૧૧
ભાજપ નેતૃત્વ હેઠળની મોદી સરકાર પેટ્રોલના ભાવ વધારાની સદી ફટકારવાની ફિરાકમાં છે. તેથી ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ૩૦ અને ૨૫ પૈસાનો વધારો ઝીંકી દીધો. વળી નફ્ફટાઇ પૂર્વક કહી પણ દીધું કે અમે આમા કંઇ કરી શકીએ નહીં. આ તો ઓઇલ કંપનીઓના હાથમાં છે. બીજા પણ ટેક્સ વધારે છે. અમે પણ વધાર્યા.
કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. જેને સાર્થક કરતા કેન્દ્ર-રાજ્ય સરકારો અને ઓઇલ કંપનીઓ પોતાના ખિસ્સા ભરી રહી છે. પેટ્રોલિયમ પેદાશોમાં દૈનિક નક્કી કરતા ભાવને કારણે માત્ર એક વર્ષમાં જ પેટ્રોલમાં ૧૮ રૂપિયાનો જંગી વધારો નાગરિકો પર ઠોકી બેસાડાયો છે. ભોળી પ્રજાને તેની ખબર પણ પડી નથી.
બજેટ પછી પેટ્રોલિયમ પેદાશોમાં ત્રીજી ફેબ્રુઆરીએ ૮ પૈસાનો ભાવ વધારો કરાયો. ત્યાર બાદ ચોથીએ પોછો ૮ પૈસાનો ઘટાડો થયો. ત્યાર બાદ બે દિવસ ભાવો સ્થિર રહ્યા. પણ પછી ૮ ફેબ્રુઆરીથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આજે ચોથો ભાવ વધારાનો ચોથો દિવસ છે. છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલમાં ૧.૪૨ રૂપિયા અને ડીઝલમાં ૧.૫૭ રૂપિયાનો વધારો કર્યો. તેમાં છેલ્લા ૫ દિવસમાં ૧.૩૧ રૂપિયાનો પેટ્રોલમાં વધારો કર્યો.
નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અવાર નવાર વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવોમાં ૧૮ રૂપિયામાં વધારો થઇ ગયો. પરંતુ લોકલ બોડીના ટેક્સ વિનાના કંપનીઓ દ્વારા દૈનિકની દૃષ્ટિએ કરાતા કહેવાતા મામૂલી પૈસાના વધારાની સામાન્ય જનતાને ખબર પડી નથી. એટલે કે ટીપે ટીપે સરોવર ભરાયની કહેવત મુજબ સરકાર અને ઓઇવ કંપનીઓ પોતાના ખિસ્સા ભરી રહી છે.
ઉલ્ટાનું કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તો સંસદમાં ચોખ્ખુ પરખાવી દીધું કે કેન્દ્ર સરકાર આ મામલે કંઇ કરી શકતી નથી. ઓઇલ કંપનીઓના હાથમાં ભાવો નક્કી કરવાની સત્તા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જ આ પેદાશો પર ટેક્સ લાદતી નથી, રાજ્ય સરકારો પણ તેના પર ટેક્સ લગાવતી હોવાથી ભાવવધારાની અસર દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: