ઝાલોદના પુર્વ કાઉન્સીલ સ્વ.હિરેન પટેલના સુપુત્ર પંથ હિરેન પટેલ ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૫માંથી બિન હરિફ ચુંટાઈ આવ્યાં!
દાહોદ તા.૧૬
ઝાલોદના પુર્વ કાઉન્સીલર હિરેન પટેલના હત્યાકાંડ મામલાની શાહી હજુ પણ સુકાઈ નથી પરંતુ પિતાના અકાળે અવસાન બાદ પણ તેઓની દિશા અને સમાજની સેવાના હેતુસર પ્રજાલક્ષી કાર્યાેને પાર પાડવા માટે પુત્ર પંથ હિરેન પટેલને આ વખતે ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૫માંથી ભાજપાની ટીકીટ મળ્યા બાદ આજે તેઓ બીન હરિફ ચુંટાઈ આવતાં પંથક સહિત તેઓના મત વિસ્તારમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો હતો અને જાણે સાચા અર્થમાં સ્વ.હિરેન પટેલને શ્રધ્ધાંજલિ મળી હોય તેમ આજે પ્રતિત થઈ રહ્યું હતું. લગભગ ગુજરાતના સૌથી નાની ઉંમરના આ ૨૧ વર્ષીય પંથ હિરેન પટેલ પાલિકાના સભ્ય બન્યાં છે. આ તેઓ અને તેમના પરિવાર માટે ગૌરવની વાત પણ છે.
દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે ઝાલોદ નગરપાલિકામાં પણ આ વખતે વોર્ડ નંબર પાંચ અને છ ની ચુંટણી યોજાનાર છે. આ વોર્ડ પૈકી વોર્ડ નંબર ૦૫ માંથી ઝાલોદના પુર્વ કાઉન્સીલર સ્વ.હિરેન પટેલના પુત્રએ આ વખતે ચુંટણીમાં ઝંપલાવ્યું હતું અને તેઓને ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર ૦૫માંથી ટીકીટ ફાળવામાં આવી હતી. આ સાથે જ આ વોર્ડના મતદારો, કાર્યકરો તેમજ ટેકેદારો સહિત ભાજપના આગેવાનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારે આજે ઉમેદવારી પત્ર ખેંચવાની આખરી તારીખ હોઈ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બાબુભાઈ વલસીંગભાઈ કટારાએ ફોર્મ પરત ખેંચી લેતાં સ્વ.હિરેન પટેલના પુત્ર પંથ હિરેનભાઈ પટેલ બિન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં.

