બોરવાણી ગામના જંગલ વિસ્તારમાં રેલ્વે પાટા પરથી મળેલ લાશ સંદર્ભે મૃતકને અંગત ઝઘડાની અદાવતે મોતને ઘાટ ઉતારતાં ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના બોરવાણી ગામના જંગલ વિસ્તારમાં રેલ્વે પાટાની નજીકથી ગતરોજ એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ ઘટના સંદર્ભે મરણ જનારના સંબંધીએ ચાર જેટલા ઈસમો વિરૂધ્ધ શંકાના આધારે ફરિયાદ નોંધાવી ઝઘડા તકરારની અંગત અદાવતે મોતન ઘાટ ઉતારી લાશનો નિકાલ કરવા તેમજ પુરાવાનો નાશ કરવા માટે લાશને રેલ્વે ટ્રેકની નજીક ફેંકી દીધી હોવાની કેફીયત પુર્વકની ફરિયાદ નોંધાવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.
આજથી આશરે દશેક માસ અગાઉ દાહોદ તાલુકાના રામપુરા ગામ મેડા ફળિયામાં રહેતા રમકાભાઈ મનસુખભાઈ મેડાના ભાઈ રમુડાભાઈ મનસુખભાઈ મેડા (ઉ.વ.૪૦)ની સાથે ગામમાંજ રહેતા વસનભાઈ રમસુભાઈ ભુરીયા, શંકરભાઈ રામસીંગભાઈ ભુરીયા, રામસીંગભાઈ છગનભાઈ ભુરીયા અને મકનભાઈ રમસુભાઈ ભુરીયા સાથે ઝઘડો તકરાર થયો હતો તેની અદાવત રાખી આ શકદારો દ્વારા રમુડાભાઈ મેડાને શરીરે નાની મોટી ઈજાઓ કરી, મોઢાના ભાગે તથા માથાના ભાગે બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ છાતીના ભાગે અને પેટના ભાગે પણ કોઈ હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશનો નિકાલ કરવા માટે લાશને બોરવાણી ગામના ખાચા ફળિયાના જંગલમાં રેલ્વેના પાટા નજીક ફેંકી દઈ આ આરોપીઓ નાસી ગયા હોવાનું અને શંકાના આધારે ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂધ્ધ મૃતકના ભાઈ રમકાભાઈ મનસુખભાઈ મેડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

